મથુરા: આગામી 4 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર એક નવા અને ભવ્ય રૂપમાં ઉજવાશે. શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીના અનોખા સંગમ સમી આ જન્માષ્ટમીમાં પહેલીવાર મથુરાનું આકાશ કૃષ્ણમય બની રહેશે. કારણ કે ગોકુળ આઠમની રાત્રે 500 ડ્રોનની મદદથી ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ભવ્ય દ્રશ્ય આકાશમાં પ્રદર્શિત કરવામાં આવશે. કાળી રાત્રિના આકાશમાં ટેકનોલોજીના માધ્યમથી રચાતી આ અદભુત કૃષ્ણ લીલા ભક્તો માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના જણાવ્યા અનુસાર, જન્માષ્ટમીની ઉજવણીને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવા માટે 4 સપ્ટેમ્બરની રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે આશરે 15 મિનિટનો આ ખાસ ડ્રોન શો યોજાશે. 500 ડ્રોન એકસાથે આકાશમાં ઉડીને ભગવાનના જન્મ અને તેમની લીલાઓ સાથે જોડાયેલી આકૃતિઓ રચશે. આ શો 3 થી 4 કિલોમીટર સુધીના અંતરેથી જોઈ શકાશે, જેથી જન્મભૂમિ આસપાસ એકઠા થયેલા લાખો ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે.
મથુરામાં જન્માષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. વિક્રમ સંવંત અનુસાર શ્રાવણ વદ આઠમની મધરાતે કંસના કારાગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણએ અવતાર લઈને અધર્મનો નાશ અને ધર્મની સ્થાપનાનો સંદેશ આપ્યો હતો. દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો માત્ર એક ધાર્મિક ઉત્સવ તરીકે નહીં, પણ પ્રભુના અવતરણની પાવન સ્મૃતિ સાથે જોડાવા અહીં આવે છે. દર વર્ષે આઠમની મધરાતે જન્મભૂમિ મંદિરમાં થતો જન્માભિષેક નિહાળવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડે છે, જેમને આ વખતે આકાશમાં કાનુડાની લીલાઓ જોવાનો પણ લ્હાવો મળશે.
ઉલ્લેખનીય છે કે હવે લગભગ મોટાભાગના ધાર્મિક આયોજનોમાં ડ્રોન શો હવે એક નવું આકર્ષણ બની ચૂક્યું છે. મથુરામાં યોજાનાર આ ડ્રોન શો અયોધ્યા, બનારસ અને સોમનાથની જેમ જ યોજવામાં આવશે. અગાઉ રાજસ્થાનના શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં પણ જન્માષ્ટમી નિમિત્તે ડ્રોન શો દ્વારા કૃષ્ણની 12 લીલાઓ આકાશમાં દર્શાવાઈ હતી. આ ઉપરાંત ગુજરાતના સોમનાથ મંદિરમાં અને ઉત્તર પ્રદેશના અયોધ્યા, પ્રયાગરાજ અને બનારસમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસ દર્શાવતા આવા ભવ્ય ડ્રોન શો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે.