Thu Jul 23 2026

Logo

"કેમિકલવાળો ઝેરી દારૂ પીવા કરતાં ઘરે જ મહુડાનો દેશી દારૂ બનાવીને પીવો!" સાંસદની અજબ સલાહ

2026-06-05 22:28:53
Author: Devayat Khatana
Article Image

ભરૂચ:"આદર્શ ગ્રામ વિકાસ"ના નામે યોજાયેલી બેઠકમાં જો કોઈ લોકપ્રતિનિધિ જ ખુલ્લેઆમ દારૂ પીવાની સલાહ આપે તો નવાઈ લાગવી સ્વાભાવિક છે! ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના આવા જ એક વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નર્મદા જિલ્લાના ઢોલાર ગામે 'આદર્શ ગ્રામવિકાસ સમિતિ'ની પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા વસાવાએ આદિવાસી સમાજને બૂટલેગરોના કેમિકલયુક્ત ઝેરી દારૂથી બચવા માટે ઘરે જ મહુડાનો પરંપરાગત દેશી દારૂ બનાવીને પીવાની આડકતરી સલાહ આપી દીધી હતી. એટલું જ નહીં, મંચ પરથી તેમણે બેધડકપણે આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાનું પણ સૂચન કર્યું હતું, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સાંસદે પોતાના આ નિવેદન પાછળ બહારથી મોટા કન્ટેનરોમાં ઘુસાડવામાં આવતા અને યુવાનોને બરબાદ કરતા કેમિકલવાળા ઝેરી દારૂ સામેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, એક તરફ તેઓ પરંપરાગત દારૂની છૂટછાટ જેવી વાત કરી રહ્યા હતા, તો બીજી તરફ તેમણે આદિવાસી યુવાનોને ટકોર કરતાં કહ્યું કે આજની પેઢી ભગવાન બિરસા મુંડાના સંઘર્ષને ભૂલીને તીર-કામઠાની જગ્યાએ દારૂની બોટલો પકડી રહી છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત, તેમણે આશ્વાસન આપ્યું હતું કે જો યુવાનો સારું શિક્ષણ મેળવીને લાયક બનશે, તો તેમને ઉદ્યોગોમાં રોજગારી અપાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓ પોતે ઉઠાવશે.

આ બેઠકમાં સાંસદે સરકાર દ્વારા આદિવાસીઓના કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અપીલ કરી હતી. સાથે જ, સોશિયલ મીડિયા પર સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે વિરોધીઓ માત્ર આદિવાસી યુવાનો અને મહિલાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે, વાસ્તવમાં તેમને ભાજપ સરકારે કરેલા વિકાસકાર્યોની કોઈ જ જાણકારી નથી.