Thu Jul 02 2026

Logo

માંગરોળમાં ખાડામાં એસટી બસ ફસાતા મુસાફરોના જીવ અધ્ધરતાલ

2026-07-02 20:18:59
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ​સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાંબેલાધાર વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં સ્થાનિક તંત્રએ કામ કરીને માત્ર માટીથી બુરેલા એક રસ્તા પર ગુજરાત એસટી બસ ખુપી ગઈ હતી અને મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. 

શહેરમાં નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી. સ્થાનિકો આ અંગે ફરિયાદ કરી જ રહ્યા હતા ત્યાં ગુરુવારે જામનગર-માંગરોળ રૂટની બસ કેશોદ-માંગરોળ રોડ ટાવર પાસેથી પસાઈ થઈ રહી હતી ત્યારે આ ખડાવાળા રોડમાં ખુપી ગઈ હતી. બસના આગળના પૈડાં અહીંના ખાડામાં ઉંડે સુધી ખુપી જતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતા સ્થાનિકો અને પાલિકા સહિતની ટીમ દોડી આવી હતી. મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેસીબી મશીનથી લગભગ બે કલાકની જહેમત બાદ બસને બહાર કાઢવામાં આવી હતી. 
સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાલિકાએ કામ શરૂ કર્યા હોવાથી જનતા ભારે હાલાકી ભોગવી રહી છે. જોકે આ મામલે તંત્ર સાથે વાતચીત થઈ શકી ન હતી.