Wed Jul 29 2026

Logo

કાંદિવલીના બિલ્ડર સાથે 5.15 કરોડ રૂપિયાની છેતરપિંડી શાહ હાઉસકૉન પ્રા. લિ.ના સંચાલક પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો

2026-02-20 09:33:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડના એસઆરએ પ્રોજેક્ટને ડેવલપ કરવાના કરાર કરીને કાંદિવલીના જાણીતા બિલ્ડર  પાસેથી 5.15 કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે બોરીવલીની કસ્તુરબા માર્ગ પોલીસે શાહ હાઉકૉન પ્રા. લિ.ના સંચાલક પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

કાંદિવલીમાં રહેતા અને બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક ઑફિસ ધરાવતા નીલેશ રાઘાણી (47)એ શાહ હાઉસકૉન પ્રા. લિ.ના સંચાલક મનસુખ શાહ અને આકાશ શાહ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરી હતી. આ અંગે ગુનો નોંધાવવા માટે તેમને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જવાની સૂચના અપાઈ હતી. ફરિયાદને આધારે કસ્તુરબા માર્ગ પોલીસે 10 ફેબ્રુઆરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.

ફરિયાદ અનુસાર માર્ચ, 2025માં ફરિયાદીની ઓળખ મનસુખ શાહ અને આકાશ શાહ સાથે થઈ હતી. શાહની કંપની ઝૂંપડપટ્ટી પુનર્વિકાસનું કામ કરે છે. તે સમયે શાહે મલાડ પૂર્વમાં રાણી સતી માર્ગ પરની ખોત ડોંગરી કો-ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રોજેક્ટ વિશેની માહિતી ફરિયાદીને આપી હતી.
આ પ્રોજેક્ટ હેઠળના નક્કી કરેલા પરિસરમાં બાંધકામ ફરિયાદીની કંપનીએ કરવાનું નક્કી થયું હતું. આ માટે બાંધકામનો ખર્ચ ફરિયાદીની કંપની કરવાની હતી, જ્યારે બાંધકામ સંબંધી પરવાનગીઓ તેમ જ એ જગ્યા પરના ભાડૂતોને ખસેડવાનું કામ શાહની કંપની કરવાની હતી. 

બાદમાં સમયાંતરે આ પ્રોજેક્ટ માટેની ટર્મશિટ, એમઓયુ, સપ્લિમેન્ટ એમઓયુ અને પીટીસી એમઓયુ તૈયાર કરવામાં આવ્યા હતા. એમઓયુ અનુસાર ફરિયાદીની કંપની દ્વારા 27 મે, 2025થી 31 જુલાઈ, 2025 દરમિયાન શાહની કંપનીને 5.15 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે શાહની કંપની દ્વારા એમઓયુ અને પૂરક એમઓયુમાં લાગુ કરાયેલી શરતોનું પાલન કરાયું નહોતું. વળી, સંબંધિત પ્લૉટનો માલિકી હક એક ચૅરિટી સંસ્થા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. એ સિવાય અન્ય કેટલીક બાબતોથી ફરિયાદીને અજાણ રાખવામાં આવ્યા હોવાનું એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું.