સોશ્યલ મીડિયાના માધ્યમથી થઈ ઓળખાણ: આરોપીએ 33 લાખ રૂપિયા પડાવ્યા
મુંબઈ: નાશિકના બહુચર્ચિત સ્વયંઘોષિત ન્યૂમરોલૉજિસ્ટ અશોક ખરાત પ્રકરણ જેવી જ ઘટના મુંબઈના મલાડ વિસ્તારમાં બની હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થયા પછી અશ્ર્લીલ વીડિયો બનાવીને મહિલાનું કથિત જાતીય શોષણ કરનારા જ્યોતિષીએ મહિલા પાસેથી 33 લાખ રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયાની લાલચ કરવા જતાં જ્યોતિષીએ આખરે લૉકઅપભેગા થવું પડ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ મીરા રોડમાં રહેતા અમર મહાગાવકર તરીકે થઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે ફેબ્રુઆરી, 2025માં મહિલાની ઓળખામ ફેસબુકના માધ્યમથી આરોપી સાથે થઈ હતી. તેણે પોતાની ઓળખ જ્યોતીષી તરીકે આપી હતી. બન્ને ઑક્ટોબર, 2025 સુધી સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા. બોરીવલીમાં રહેતી મહિલા ધીરે ધીરે આરોપી પર વિશ્ર્વાસ કરવા લાગી હતી. આ વાતનો ફાયદો ઉઠાવી આરોપીએ મહિલાને મળવા રાજી કરી હતી.
નક્કી થયા પ્રમાણે મહિલા માર્વે બીચ નજીક આરોપીને મળવા ગઈ હતી. આરોપી તેને નજીકની એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની ઇચ્છા વિરુદ્ધ આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કૃત્યનો આરોપીએ વીડિયો પણ બનાવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ વીડિયોની મદદથી આરોપી મહિલાને ધમકાવતો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે મહિલાનું જાતીય શોષણ કરતો હતો. ડરી ગયેલી મહિલા પાસેથી તેણે સમયાંતરે 33 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા.
જોકે આરોપી વધુ ત્રાસ આપીને ફરી નાણાંની માગણી કરવા લાગતાં મહિલા કંટાળી હતી. તેણે માલવણી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ પછી આરોપીને પકડી પાડ્યો હતો.