મુંબઈ: રાજ્યમાં શાળાના વિદ્યાર્થીઓના પરિવહન માટે સરકારની સ્પષ્ટ નીતિ છે અને શાળા સ્તરે પરિવહન સમિતિ તથા જિલ્લા સ્તરે જિલ્લા બસ સુરક્ષા સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, શાળા પરિવહન નિયમોની તપાસ માટે રાજ્યભરમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે, એમ શાળા શિક્ષણ પ્રધાન દાદાજી ભુસેએ જણાવ્યું હતું.
શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે , ૭ જુલાઈ , ૨૦૨૫ ના રોજ, અંબરનાથમાં એક ખાનગી અંગ્રેજી શાળાની વેનમાં મુસાફરી કરી રહેલા બે વિદ્યાર્થીઓ પડી જવાથી ઘાયલ થયા હતા. આ વાહન સંબંધિત વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ખાનગી રીતે રાખવામાં આવ્યું હતું. ઘટનાના દિવસે જ પોલીસે ગુનો નોંધ્યો હતો અને બીજા દિવસે આરટીઓ દ્વારા સંબંધિત વાહન સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારે શાળાઓ માટે ડ્રાઇવર વેરિફિકેશન, બસોમાં જીપીએસ સિસ્ટમ , સીસીટીવી કેમેરા , મહિલા સહાયકોની નિમણૂક, પરિવહન કર્મચારીઓને તાલીમ અને પોલીસ દ્વારા ડ્રાઇવરોએ દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું નથી તેની ચકાસણી જેવી બાબતોને ફરજિયાત બનાવી છે.
ઉપરાંત, શાળા ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ , પોલીસ વહીવટીતંત્ર અને આરટીઓ સાથે મળીને રાજ્યભરમાં એક ખાસ નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ભૂસેએ એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને આ સંદર્ભે જરૂરી પગલાં લેવામાં આવશે .
વિદ્યાર્થીઓના પરિવહન માટે વાહનો માટે અલગ લાઇસન્સ જરૂરી: નાર્વેકર
વિધાનસભા અધ્યક્ષ એડવોકેટ રાહુલ નાર્વેકર દ્વારા વિધાનસભામાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, વિદ્યાર્થીઓની હેરફેર કરતા વાહનોને સ્વતંત્ર લાઇસન્સ આપવામાં આવે. શિક્ષણ અને પરિવહન વિભાગે સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારીને રિક્ષા અથવા બસ દ્વારા વિદ્યાર્થીઓની અવરજવર કરતા વાહનોમાં સીસીટીવી, જીપીએસ સહિતની આવશ્યક શરતો પૂર્ણ કર્યા બાદ જ લાઇસન્સ આપવું જોઈએ. જો લાઇસન્સ વગર વિદ્યાર્થીઓની હેરફેર કરતા વાહનો મળી આવે, તો તેને જપ્ત કરવાની કાર્યવાહી કરવી, તેવા આદેશ પણ તેમણે આપ્યો હતો.