પુણેઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (MSBSHSE) સતારાની એક શાળામાં ધોરણ છઠ્ઠાના બે વિદ્યાર્થીઓને દસમા ધોરણની મરાઠી ઉત્તરવહીઓ તપાસવામાં શિક્ષકને કથિત રીતે મદદ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તપાસ શરૂ કરી છે.
આ ઘટના અહીંથી લગભગ 100 કિલોમીટર દૂર ફલટણના વિદાણી ગામની ઉત્તરેશ્વર હાઇસ્કૂલમાં બની હતી, જેના પગલે MSBSHSEના કોલ્હાપુર ડિવિઝનલ બોર્ડે તપાસ શરૂ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વાયરલ વીડિયોમાં, બે શાળાની વિદ્યાર્થિનીઓ એક શિક્ષક સાથે ઉત્તરવહીઓ સંભાળતી જોવા મળે છે.
"અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધોરણ 6 ના બે વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓના ખાલી પાના પર ફક્ત લાઈનો દોરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ ઘટના ક્યારે બની તે હજુ સુધી ખબર પડી નથી. અમે વધુ તપાસ માટે ફલટનની શાળામાં એક ટીમ મોકલી છે," કોલ્હાપુર ડિવિઝનલ બોર્ડના અધ્યક્ષ રાજેશ ક્ષીરસાગરે જણાવ્યા હતું.
જોકે, પરીક્ષાની ઉત્તરવહીઓ અનધિકૃત વ્યક્તિઓને સોંપવી એ પણ નિયમોનું ઉલ્લંઘન છે, એમ ક્ષીરસાગરે ભારપૂર્વક જણાવ્યું હતું. વિભાગીય બોર્ડની ટીમ શાળાની મુલાકાત લેશે, તપાસના ભાગ રૂપે સીસીટીવી ફૂટેજ મેળવશે અને જલ્દી જ પોતાનો રિપોર્ટ રજૂ કરશે, એમ તેમણે ઉમેર્યું.
"પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પાસેથી કોરા પાના પર ક્રોસ લાઇનો દોરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેથી પછીથી કોઈ તેના પર લખી ન શકે. સામાન્ય રીતે, વિદ્યાર્થીઓ આ ક્રોસ લાઇનો દોરતા નથી અને પેપર તપાસતા શિક્ષકોએ મૂલ્યાંકન પહેલાં તેને માર્ક કરવા પડે છે. જો કે, આ કિસ્સામાં, પેપરો અનધિકૃત વ્યક્તિને સોંપવાની મંજૂરી નથી," તેમણે કહ્યું.
(પીટીઆઈ)