Fri Sep 04 2026

Logo

મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાનો આગામી ૨૭ સપ્ટેમ્બરથી પ્રારંભ

2026-08-29 10:52:00
Author: Mumbai Samachar Team
મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાનો આગામી ૨૭ સપ્ટેમ્બરથી પ્રારંભ

ભુજ: કચ્છના 'મિની તરણેતર' તરીકે ઓળખાતા જખ બૌંતેરા કકડભિટ્ટ મોટા યક્ષ ખાતે યોજાતા જિલ્લાના સૌથી મોટા ભાતીગળ મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી તા. ૨૭ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી યોજાનારા ચાર દિવસીય મેળાની તૈયારીઓ અંગે સાંયરા જૂથ પંચાયત, ભોવા પરિવાર અને મેળાસમિતિની સંયુક્ત બેઠકમાં આયોજનને આખરી ઓપ આપી વિવિધ નિર્ણયો લેવાયા હતા.

દર વર્ષની પરંપરા મુજબ મનોરંજન વિભાગ, રમકડાં બજાર, ખાણી-પીણી તથા હોટેલો માટેના પ્લોટની ફાળવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ વર્ષે મેળાનો વ્યાપ વધારવાની સાથે પટાંગણની સાફ-સફાઈ પંચાયત અને ભોવા પરિવારની સીધી દેખરેખ હેઠળ શરૂ કરી દેવામાં આવી છે.

મેળાના કાર્યક્રમ અનુસાર, રવિવાર, ૨૭ સપ્ટેમ્બરે મહાનુભાવોના હસ્તે મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. સોમવાર, ૨૮ સપ્ટેમ્બરે યક્ષદાદાની ચડતર (પેડી), મંગળવાર, ૨૯ સપ્ટેમ્બરે સવારે લોકપ્રિય મલ-બલાખડો (કુશ્તી) અને બુધવાર, ૩૦ સપ્ટેમ્બરની સાંજે મેળો સંપન્ન જાહેર કરાશે.

મેળા દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા અર્થે ખાણી-પીણીના સ્ટોલ્સ પર આરોગ્ય વિભાગ દ્વારા કડક નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ૩૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનોનો કાફલો ખડેપગે રહેશે, જેમાં મહિલા પોલીસની ખાસ તૈનાતી કરાશે. સમગ્ર મેળા પરિસર પર સીસીટીવી કેમેરા મારફતે સતત નિગરાની રાખવામાં આવશે.

મેળા પહેલાં સારો વરસાદ થાય તો આ વર્ષે મેળાની રોનક બેગણી થઈ જશે તેવી આશા સાંયરા (યક્ષ) જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયંતી નાકરાણી, જે.એમ. જાડેજા તથા તલાટી રઘુવીરસિંહ ઝાલા સહિત મેળા સમિતિના સભ્યોએ વ્યક્ત કરી હતી.

ઉત્સવ વૈદ્ય