Wed Aug 19 2026

Logo

મહારાષ્ટ્રમાં ગેરકાયદે ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં: જાણો સરકારના ઉદ્દેશો?

2026-08-02 20:06:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી અને ગેઝેટમાં સત્તાવાર પ્રકાશન બાદ 'મહારાષ્ટ્ર ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ-2026' કાયદો રાજ્યમાં અમલમાં આવી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાયદો 30 જુલાઈથી અમલી બન્યો છે, તેથી હવે બળજબરી, છેતરપિંડી, લાલચ અથવા અન્ય ગેરકાયદે રીતે કરાયેલા ધર્માંતરણના કેસોમાં આ નવા કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી થઈ શકશે.

આ કાયદો માર્ચ મહિનામાં યોજાયેલા રાજ્ય વિધાનમંડળના બજેટ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજ્યપાલ અને અંતે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. કાયદાનો મુખ્ય હેતુ બળજબરી, છેતરપિંડી, પ્રલોભન, ખોટી માહિતી અથવા લગ્નનું વચન આપીને કરાવવામાં આવતા ધર્માંતરણને રોકવાનો છે.

કાયદા મુજબ તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ફરીથી આવો ગુનો કરે તો સજાની મુદત વધારીને 10 વર્ષ સુધી કરી શકાય છે. 
ઉપરાંત, ધર્માંતરણ પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટને 60 દિવસ અગાઉ લેખિત જાણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. ધર્માંતરણ કરનાર વ્યક્તિના માતા-પિતા, ભાઈ-બહેન અને અન્ય નજીકના સગાઓને પણ ફરિયાદ નોંધાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

આ કાયદાને લઈને વિધાનસભામાં રાજકીય મતભેદ પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ), સમાજવાદી પાર્ટી અને સીપીઆઈ (એમ)એ આ બિલનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષોએ દલીલ કરી હતી કે કાયદો બંધારણવિરોધી છે, વ્યક્તિના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને તેનો ઉપયોગ કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે થઈ શકે છે. તેમણે બિલને સંયુક્ત પસંદગી સમિતિને મોકલવાની પણ માંગ કરી હતી. બીજી તરફ, શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)એ બિલને સમર્થન આપ્યું હતું.

કાયદાના સમર્થનમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદાનો હેતુ સ્વૈચ્છિક ધર્માંતરણ અથવા આંતરધર્મીય લગ્નોને રોકવાનો નથી. તેનો ઉદ્દેશ માત્ર બળજબરી, છેતરપિંડી અથવા લાલચ આપીને કરાવવામાં આવતા ગેરકાયદે ધર્માંતરણ પર રોક લગાવવાનો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પહેલાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાન સહિત દેશના ઓછામાં ઓછા 12 રાજ્યોમાં આવા ધર્માંતરણ વિરોધી કાયદા પહેલાથી અમલમાં છે. (પીટીઆઈ)