કેન્દ્ર સરકારે સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરના રિફિલને લઈને મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય અનુસાર, 1 ઓકટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકો, એટલે કે કુલ ગ્રાહકોના 89.9 ટકા, બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી ચૂક્યા છે. જેમણે ઓથેન્ટિકેશન કરાવી લીધું છે, તેમને હવે કોઈ વધારાની કાર્યવાહી કરવાની જરૂર નથી. જે ગ્રાહકોએ હજુ સુધી ઓથેન્ટિકેશન કરાવ્યું નથી, તેઓ LPG ડિલિવરીના સમયે, ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ પર કે OMC મોબાઈલ એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીવાળી કુકિંગ ગેસ માત્ર પાત્ર અને યોગ્ય પરિવારો સુધી જ પહોંચે. 1 ઓક્ટોબરથી સબસિડીવાળી કિંમતે આગામી LPG રિફિલ બુક કરાવવા માટે પાત્ર ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું જરૂરી રહેશે. સરકારનું કહેવું છે કે આ પગલાથી સબસિડીવાળા ઘરેલુ સિલિન્ડરોના કોમર્શિયલ અને ઔદ્યોગિક ઉપયોગ તરફ થતા ડાયવર્ઝનને રોકવામાં મદદ મળશે. સાથે જ ડુપ્લિકેટ અને અયોગ્ય LPG કનેક્શનોને દૂર કરી શકાશે.
કઈ રીતે કરાવી શકાશે ઓથેન્ટિકેશન?
LPG ડિલિવરીના સમયે, પોતાના LPG ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ પર કે Indane માટે IndianOil ONE એપ, Bharatgas માટે HelloBPCL એપ અને HP Gas માટે HP PAY એપ દ્વારા ગ્રાહકો બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવી શકે છે. જેઓ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા માંગતા નથી અથવા કોઈ કારણસર કરાવી શકતા નથી, તેમને LPG મળવાનું ચાલુ રહેશે, પરંતુ સબસિડી વિના લાગુ માર્કેટ પ્રાઈસ પર રહેશે.
ગ્રાહકોએ પોતાની પસંદગી જણાવવી પડશે
જે ગ્રાહકો સબસિડી વિના માર્કેટ પ્રાઈસ પર LPG લેવા ઈચ્છે છે, તેઓ OMCના ડિજિટલ માધ્યમો, વેબસાઇટ, મોબાઈલ એપ, વોટ્સએપ ચેટબોટ અને IVRS દ્વારા પોતાની પસંદગી જણાવી શકશે. સ્થાનિક ઉપલબ્ધતા મુજબ આવા ગ્રાહકોને 5 કિલો અથવા 10 કિલોના સિલિન્ડર પણ મળી શકે છે. સરકારે શરૂઆતમાં ગ્રાહકોને 30 જૂન સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સમયમર્યાદા અનેક વખત એટલે કે 31 જુલાઈ, 7 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 23 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 7 સપ્ટેમ્બર અને અંતે 14 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી,
12 કરોડથી વધુ SMS અને વોટ્સએપ મેસેજ મોકલાયા
દેશભરમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અભિયાન ઓક્ટોબર 2023થી ચાલી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ SMS અને વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટરો, ડિલિવરી કર્મચારીઓ, વિશેષ કેમ્પ, IVRS પ્રોમ્પ્ટ અને અન્ય માધ્યમો દ્વારા પણ ગ્રાહકોને ઓથેન્ટિકેશન માટે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આર્થિક મદદનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર ઘરેલુ LPGને સસ્તું રાખવા માટે મોટી આર્થિક મદદ કરી રહી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના LPG સિલિન્ડર પર છુપાયેલી સબસિડી આશરે 210 રૂપિયા હતી, જ્યારે જૂન મહિનામાં તે લગભગ 721 રૂપિયા હતી.
સરકારે 2022-23માં ઘરેલુ LPG પર થયેલા નુકસાન એટલે કે અંડર-રિકવરીની ભરપાઈ માટે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 22,000 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે 2025-26 અને 2026-27માં દર વર્ષે 30,000 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે. આ મદદ છતાં સરકારી OMCs પર ઘરેલુ LPG સંબંધિત સંચિત અંડર-રિકવરી 31 ઓગસ્ટ 2026 સુધીમાં 62,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી.
1 ઓક્ટોબરથી નિયમમાં મોટો ફેરફાર
1 ઓક્ટોબરથી સબસિડીવાળી LPG અને માર્કેટ પ્રાઈસવાળી LPG વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ થશે. સબસિડી મેળવવા માટે પાત્ર ઘરેલુ ગ્રાહકોને આગામી રિફિલ બુક કરાવતા પહેલાં BAA (બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન) પૂર્ણ કરવું પડશે. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સબસિડી યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનો અને LPG સબસિડીમાં થતી લીકેજ ઘટાડવાનો છે.