Wed Jul 29 2026

Logo

દુહાની દુનિયાઃ સખી અમીણોં સાહિબૌ

2026-05-04 08:54:00
Author: Dr.Balwant Jani
Article Image

ડૉ. બળવંત જાની

લોકસંસ્કૃતિમાં સરખે સરખી સાહેલડી ભેગી મળી હોય, ત્યારે શું વાતચીતનો સંદર્ભ હોય, ત્યાં ભૌતિક સુખ સુવિધાની કે આધુનિક સાધનસામગ્રીની નગરસંસ્કૃતિની વાતડિયું ન મંડાતી હોય, ત્યાં તો લોકજીવનનો સંદર્ભ વાતો દ્વારા પ્રગટતો હોય. લોકસાહિત્યની વિશિષ્ટતા એ છે કે એમાંથી લોકસંસ્કૃતિનો સંદર્ભ દ્રવતો-ટપકતો હોય. 

કંઠસ્થપરંપરામાં દુહામાં સખીને ઉદેશીને નારી દ્વારા સંબોધાયેલા ઘણાં દુહાઓ મળે છે. એમાં રાજસ્થાની છાંટના સખી અમીણોં સાહિબૌ સંબોધનથી ગવાયેલા દુહા મને ભારે વિશિષ્ટ જણાયેલા છે. એ દુહામાં નારી પોતાની સખીને મળી છે અને એની સાથે વાતુની ગોઠડી માંડે ત્યારે કેવી વાતો એમાંથી વછૂટતી હોય એનું ઉદાહરણ આ સખી સંબોધનવાળા દુહાઓ છે. 

મહિમા રૂપનો, ગુણાનો અને શૂરવીરતાનો છે. અડગમતિયો છે અને એ ગુણાના વખાણ સખીને મોઢે બહેનપણી માંડતી હોય એ દ્વારા આદર્શપુરુષની લોકકલ્પના આપણી સમક્ષ્ા પ્રગટે છે. એવા પુરુુષત્વનો મહિમા છે. મૂલ્ય શેનું છે? એ બધી વિગતો એમાંથી પ્રગટતી હોઈને આ દુહાનું ઘણું મહત્ત્વ છે. અહીં ભારતીય પુરુષની છબી પ્રગટે છે. ભારતીય સંસ્કૃતિમાં કેવા પુરુષનો મહિમા છે - મૂલ્ય છે એની મીમાંસા આ દુહામાં ભળેલી હોવાને કારણે મને આ દુહા ભારે મહિમાવાળા જણાયા છે. સખી એની અંગત વાત પોતાની અંતરંગ બહેનપણી સમક્ષ્ા દુહારૂપે રજૂ કરે છે :

સખી અમીણોં સાહિબૌ, વૌહઝૂઝે બળબંડ;
સો થાભૈ  ભુજડંસૂં, ખડહડતો વ્રહમંડ.

કોઈ શૂરવીર પુરુષની સ્ત્રી પોતાની સખી પાસે પોતાના પતિનાં વખાણ કરે છે : હે સખી  મારો પતિ એવું યુદ્ધ કરી જાણે છે કે, જો આકાશ નીચે પડતું હોય તો પણ પોતાના ભુંજ દંડ વડે એને રોકી થંભાવી શકે છે. આમાં અતિશયોક્તિનું દર્શન ભલે થાય પણ એ દ્વારા પતિની શૂરવીરતાની એક છબી સ્ત્રીના ચિતમાં દોરાયેલી છે એ પ્રગટતી હોઈને એનું મહત્ત્વ વિશેષ છે. બીજા એક દુહામાં પતિના સૌંદર્યની વાત કહેવાઈ છે : 

સખી અમીણોં સાહિબૌ, મદન મનોહર ગાત;
મહાકાળ મૂરત બણૈ, કરણ ગયંદાં ધાત.

કોઈ રમણીય પુરુષની પત્ની પોતાની સખીને કહે છે કે, હે સખી કામદેવના જેવા સુંંદર શરીરવાળો મારો પતિ હાથીઓને યુદ્ધમાં મારવા માટે મહાકાળની મૂર્તિ જેવો દેખાય છે.

અહીં મદોન્મત હાથીને નાથવા માટે મદભર શક્તિશાળી કામદેવ સમાન પુરુષની કલ્પના પ્રસ્તુત થઈ છે. બીજા એક દુહામાં વસંતૠતુમાં જે રીતે વૃક્ષ્ા વિકાસ પામે છે એ રીતે રણક્ષ્ોત્ર જોઈને જે વિકસે છે એ પુરુષની છબી એની સખી સમક્ષ્ા રજૂ કરી છે તે જોઈએ : 

સખી અમીણોં સાહિબૌ, બાંકમ સૂભરિયોહ;
રણ બિક્સૈ રિતુરાજ મૈ, જયું તરવ હરિયોહ

હે સખી પુરુષાર્થવાળો મા2ો પતિ વસંતૠતુમાં જેમ લીલું વૃક્ષ્ા વિકસિત થાય છે, તેવી રીતે મારો પતિ રણક્ષ્ોત્ર જોઈને પ્રફુલ્લિત થતો હોય છે. મહિમા છે રણક્ષ્ોત્રમાં પહોંચવા માટેના થનગનાટનો એ વિગતને અહીં વસંતૠતુમાં વિક્સતા વૃક્ષ્ાની ઓથે આલેખી છે. 

સખી અમીણોં સાહિબૌ, નિરભૈ કાળૌ નાગ;
સિર રાખૈ મિણ સાંમધ્રમ, રીઝૈ સિંધુ રાગ઼

હે સખી મારો પતિ નિર્ભય એવા કાળા નાગની માફક માથા ઉપર સ્વામિધર્મરૂપી મણિ રાખી સિંધુ રાગ (લડાઈ વખતે ગવાતા રાગ વિશેષનું નામ) સાંભળી પ્રસન્ન થાય છે.  સ્વામીને વફાદાર રહેવાની વાત અહીંથી પ્રગટે છે અને સિંધુડા રાગનો સંદર્ભ પણ યુદ્ધ દૃશ્યને રજૂ કરે છે. આમ, લોકસંસ્કૃતિમાં મહાન યુદ્ધ સાથે બાથ ભીડવા માટે તત્પર એવા વીર પુરુષની વાત કેવી વણાયેલી છે એની વિગત અહીંથી પ્રગટે છે. બીજા એક દુહામાં વળી પૌરાણિક ઉદાહરણથી પતિના સ્વભાવની વિરલ વાતને વર્ણવી છે. એ દુહો જોઈએ: 

સખી અમીણોં સાહિબૌ, સૂર ધીંર મમરત્થ;
જૂધમેં વામણ ડંડ જિમ્, હેલી વાધે હથ્થ.

હે સખી મારો પતિ શૂરવીર, ધીરજવાળો તથા ભારે સમર્થ છે. વામન ભગવાનના દંડની સમાન યુદ્ધ વખતે તેના હાથ અતિશય મોટા થઈ જાય છે.

જેનું શૂરાતન, જેની ધીરજ અને જેનું સામર્થ્ય વધે વધતું રહે એનો મહિમા ઘણો મોટો હોય એ સ્વાભાવિક છે. અહીં પતિના સાહિબાના એ ગુણો વામનભગવાનના દંડની માફક યોગ્ય ક્ષ્ાણે વધતા વર્ણવીને પૌરાણિક કથાનકના સંદર્ભથી વામન અવતારની વિગત મૂકી છે. 

દુહાઓ આવા ઐતિહાસિક-પૌરાણિક સંદર્ભને પોતાનામાં વણી લેતા હોઈને એને સંદર્ભાત્મક સાહિત્ય તરીકે પણ ઓળખાવાય છે. ભારતીય સંસ્કૃતિનાં કૈં કેટલાંય ઉદાહરણોને વાતમાં વણી લઈને સાંપ્રત વિગતોની સાથે પૌરાણિકનું સંયોજન કરીને સમાજને ભારતની ભવ્ય કથાસૃષ્ટિથી પણ પરિચિત કરતા આ દુહાઓ લોકસાહિત્યનું આભરણ છે, વાગીશ્વ2ીનાં કર્ણફૂલો છે. એનાથી ભારતીય સાહિત્ય વધારે શોભા સમાન અને દૈદિપ્યમાન બનીને એનું ઉજ્જવળ તેજ વિશ્વ પર પાથરી રહ્યું છે.