Fri Jun 12 2026

Logo

બગસરામાં સિંહનો આતંક: 7 વર્ષના માસૂમ બાળકનો શિકાર કર્યો, વન વિભાગ એક્શનમાં

2026-06-12 15:35:00
Author: Mumbai Samachar Team
Article Image

બગસરાઃ અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો આતંક જોવા મળ્યો છે, ગૌરવ લજવી નામના સાત વર્ષના નિર્દોષ બાળકનો સિંહે શિકાર કર્યો છે. આ ઘટના સામે આવતા જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાની નોંધ લઈને વન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. 

આ ઘટના ઘંટિયાણ ગામની છે. કલ્પેશભાઈ સોજીત્રા નામના ખેડૂતની વાડીમાં આ ઘટના બની હતી. શ્રમિક પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. આ ઘટના રાતના સમયે બની હતી. ઝૂંપડા પાસે જ્યારે બાળક સૂતો હતો એ સમયે અચાનક સિંહ આવી ચડ્યો હતો. 

બાળકનો મૃતદેહ મળી આવ્યો
એક સિંહ અને એક સિંહણ અને બે બચ્ચાનું ટોળું ખોરાકની શોઘમાં વાડી સુધી આવી પહોંચ્યું હતું. અચાનક બાહર સૂઈ રહેલા સાત વર્ષના બાળક પર સિંહે હુમલો કરી દીધો હતો. પરિવાર બાળકનો જીવ બચાવવા દોડે એ પહેલા જ સિંહ અને સિંહણે બાળકને મોઢામાં દબોચી લીધો હતો અને અંધારામાં લઈને દૂર ચાલ્યા ગયા. 

સમગ્ર ઘટનાની જાણ થતાં જ વાડીના માલિક અને આસપાસમાંથી અન્ય ખેડૂતો એકઠા થઈ ગયા હતા. બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી.વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. 

આ સિંહ પરિવાર બાળકને મોઢામાં લઈ, બચકાં ભરીને અમરેલ જિલ્લાની બોર્ડર ક્રોસ કરી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામની સીમ સુધી લઈ ગયો હતો. જ્યારે વન વિભાગે સર્ચ ઑપરેશન શરૂ કર્યું એ સમયે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકને ફાડી ખાઈને સિંહ પરિવારે એમને મૂકી દીધો હતો. 

સિંહને પાંજરે પૂરી દેવામાં આવશે 
આ સમગ્ર મામલો પરિવારજનોને જાણવા મળતા જ પરિવારના દરેક સભ્યની આંખ ભીની થઈ ગઈ હતી. હવે વનવિભાગે આ સિંહ-સિંહણની શોધ કરવાનું શરૂ કરી દીધું છે. વન વિભાગ દ્વારા સિંહની તપાસ કરીને એને પાંજરે પૂરાશે. સામાન્ય રીતે જ્યારે કોઈ સિંહ માણસ પર હુમલો કરે છે અને એને ઈજા પહોંચાડે છે તો એ સિંહની તપાસ કરીને વનમાં મુક્ત રાખવાના બદલે પાંજરામાં પૂરી દેવામાં આવે છે. 

એની દરેક વર્તણૂંકનો અભ્યાસ કરવામાં આવે છે. પછી આવા સિંહને ક્યારેય કોઈ વિશાળ વનમાં મુક્ત કરવામાં આવતા નથી. જે વાડીમાં એ બાળકો સૂતો હોત એ વાડીથી દોઢ કિમી દૂર એનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ પહેલા  લુવારા ગામની સીમમાં ગત રોજ સાંજના સમયે બાળક વાડીમાં રમતો હતો. આ દરમિયાન એક સિંહણ આવી ચડી હતી. આ બાળક કંઈ સમજે તે પહેલા સિંહણે બાળક પર હુમલો કરી દીધો હતો. બાદમાં બાળકને દૂર સુરજવડી નદી કાંઠે સિંહણ લઈ ગઈ હતી. બીજી તરફ બાળકના પરિવારજનોને ખ્યાલ આવતાં  જ તુરંત વનવિભાગને જાણ કરાઈ હતી.  આથી વનવિભાગે આવીને સિંહણની શોધ શરૂ કરી હતી. દરમિયાન સિંહણનું લોકેશન મેળવ્યું હતું. ઉપરાંત તે જ વિસ્તારમાં સિંહણના બે બચ્ચા પણ હતા. જેના કારણે વનવિભાગમાં ભારે દોડધામ મચી હતી.