બગસરા: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આતંકે એક માસૂમ બાળકનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બગસરાના ઘંટિયાણ ગામે કલ્પેશભાઈ સોજીત્રા નામના ખેડૂતની વાડીમાં રાત્રિના સમયે આ કાળજું કંપાવી દેનારી ઘટના બની હતી. અહીં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારનો સાત વર્ષનો નિર્દોષ બાળક ગૌરવ લજવી જ્યારે ઝૂંપડા પાસે સૂતો હતો, ત્યારે અચાનક આવી ચડેલા સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. વન વિભાગે ઘટનાની ગંભીરતાને જોઈને યુદ્ધના ધોરણે તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સ્થાનિક વિગતો અનુસાર, એક સિંહ, સિંહણ અને બે બચ્ચાનું ટોળું ખોરાકની શોધમાં વાડી સુધી આવી પહોંચ્યું હતું. બહાર સૂતેલા બાળક પર સિંહે હુમલો કરતાં જ પરિવારજનો તેને બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ વનરાજ અને સિંહણ બાળકને મોઢામાં દબોચીને ગણતરીની મિનિટોમાં અંધારામાં ગાયબ થઈ ગયા હતા. રાડારોડ થતાં જ વાડીના માલિક અને આસપાસના ખેડૂતો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરીને બાળકની શોધખોળ હાથ ધરી હતી.
આ સિંહ પરિવાર નિર્દોષ બાળકને મોઢામાં ભીંસીને અમરેલી જિલ્લાની સરહદ વટાવી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા શોભાવડલા ગામની સીમ સુધી ખેંચી ગયો હતો. વન વિભાગની ટીમે જ્યારે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે શોભાવડલાની સીમમાંથી બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ પરિવારે બાળકને ફાડી ખાધા બાદ તેનો દેહ ત્યાં જ છોડી દીધો હતો, જેને જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો.
આ અત્યંત દુઃખદ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે રાતે ખેતમજૂર પરિવાર સૂઈ રહ્યો હતો અને આ દરમિયાન આવી ચડેલી સિંહણે બાળકનો શિકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગામલોકોનું કહેવું છે કે સિંહણે સિંહબાળોને શિકાર કેમ કરવો તે શીખવવા માટે આ શિકાર કર્યો હોય તેમ પંજા માર્યા છે.
તેમણે વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે બગસરા પંથકમાં ઘણા સમયથી સિંહ અને દીપડાનો ત્રાસ હોઇ અને આ બનાવ ગામના સરપંચના ખેતરે જ બન્યો હતો આથી ઘટનાની જાણ થયા બાદ ગ્રામલોકો એકઠા થયા હતા. ગામલોકો, સરપંચ અને આગેવાનોએ વન વિભાગ પાસેથી ખેડૂતોને સિંહ-દીપડાના ત્રાસથી ખેડૂતોને કેમ છોડાવી શકાય તે અંગે નક્કર પગલાં લેવાની ખાતરી માંગી હતી. જો કે ત્યારે વન વિભાગે બાહેંધરી આપવાના બદલે ખેડૂતો સાથે દાદાગીરી આપવાના ઉદેશ્યથી છોકરાના મૃતદેહને બિનવારસી જાહેર કરી દીધો હોવાનો ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો.
તેમણે આગળ કહ્યું હતું કે બધાને ખબર છે કે છોકરો અને તેના માતા પિતા ઘંટીયાણ ગામમાં જ ખેતમજૂરી કરી રહ્યા છે. પરિવારના સભ્યો, ખેતરના માલિક હાજર હોવા છતાં વન વિભાગે બળજબરીથી મૃતદેહના નિકાલનો પ્રયાસ કર્યો હોવાનો વન વિભાગ પર આક્ષેપ છે. તેમણે માંગ કરી છે કે મૂંગા પ્રાણીઓને કાંઈ કહી શકાય નહીં, પરંતુ વન વિભાગના જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ બરાબર નિભાવવી જોઈએ.