અમરેલીના લીલીયામાં આવેલા અંટાળીયા નજીક બે યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. જેમાંથી એક 21 વર્ષીય યુવકને ફાડી ખાધો હતો. આ બંને યુવકો ગેરકાયદે સિંહદર્શન કરવા માટે ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જો કે, આ જ સિંહે પહેલા પણ એક વ્યકિત પર હુમલો કરીને તેને ફાડી ખાધો હતો. બે યુવકોને ફાડી ખાધા હોવાથી વન વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કાર્યવાહી કરતા ભગત નામના આ સિંહને વન વિભાગે બેભાન કરીને કેદ કર્યો હતો. હવે ભગત સિંહને આજીવન કેદમાં રાખવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અંટાળીયા રિઝર્વ ફોરેસ્ટ નજીક આ ઘટના
આ સમગ્ર ઘટના અંટાળીયા રિઝર્વ ફોરેસ્ટ નજીક બની હતી. અહીં ત્રણ યુવકો ગેરકાયદે સિંહ દર્શન માટે ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સિંહને ખલેલ પહોંચાડવામાં આવ્યો હતો. જેથી સિંહ આક્રમક બન્યો અને હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં સાહિલ રફિકભાઈ મુંજાવરનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે તેની સાથે ગયેલા યક્ષરાજસિંહ વાંઝા અને રહેમાન ખાન પરવેઝખાન પઠાણ જીવ બચાવીને ઘટનાસ્થળેથી ભાગી ગયાં હતાં. ત્યારબાદ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી.
ભગત સિંહને ક્રાક્ચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એક જ સિંહ દ્વારા બે યુવકોને ફાડી ખાધો હોવાથી વન વિભાગે આ નર સિંહને બેભાન કરીને ક્રાક્ચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ સિંહને અહીં આજીવન માટે કેદમાં રાખવામાં આવશે. આ પહેલા પણ ત્રણ સિંહોને જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજીનવ કેદમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.