લાફ્ટર આફ્ટરઃ
પ્રજ્ઞા વશી
‘મફત છે, બધા બરાબર ઝાપટી લેજો. અને હા, સૌથી પહેલાં સ્વીટ ડિશ ખવાય એટલી ખાઈ લેજો. અબજોપતિનાં ઘરનું જમણ છે એટલે એક આખી લાઇનમાં દસ-બાર જાતની જાતજાતની તો મીઠાઈ જ હશે. કેટલીક ઠંડી ઠંડી રબડી ટાઇપ અને કેટલીક ગરમ ગરમ. અખરોટનો, ગાજરનો, દૂધીનો, બદામનો વગેરે જાતજાતના હલવાઓ પણ તવા ઉપર મૂકેલા હશે. જુઓ, માણસોની પુષ્કળ ભીડ હશે. તે પાછા કોઈ ઓળખીતો મળી જાય તો તેની સાથે વાત કરવા બેસી ન જતા’
‘મમ્મી, પ્લીઝ...’
‘હું તમને નહીં, તમારા પપ્પાને કહું છું. તમે તો મારી સાથે રહીને કઈ રીતે ઝાપટવું તે શીખી ગયા છો. પણ આ તમારા પપ્પા દાખલ થાય ત્યારથી લાલ - પીળી ઝગમગ થતી સાડી પહેરીને રૂમઝૂમ કરતી જતી તારી માસી, કાકીઓને જોવામાં, જે સ્પીડથી લાઇનમાં ઊભા રહીને ફટાફટ મીઠાઈ ઝાપટવી જોઈએ તે હજુ સુધી શીખ્યા નથી.’, પછી એક છોકરો બોલ્યો:
મમ્મી, પપ્પા... માસીને જોવામાં મારી આંગળી પણ છોડી દે છે.
હું કહું, પપ્પા ચાલો, મમ્મીએ પહેલાં મીઠાઈ ઝાપટવા કહ્યું છે. તો મને કહે મમ્મીના ચમચા, બધું મમ્મીનું જ કરવાનો હોય તો જા મમ્મી પાસે. હું જરા પેલી માસીઓ છે ને તે મારી ઑફિસની છે. એમને બિચારીને સૂપ પીવો છે પણ લાઇન લાંબી છે. એટલે જરા એમને સૂપ અને બાજુમાંના સ્નેક્સ વગેરેની ડિશ લાઇનમાં ઘૂસીને લાવી આપું. બિચારીઓ ક્યારની ઊભી રહી છે લાઇનમાં. એમને જરા ટેબલ ખુરશી ઉપર બેસાડીને ખાવાનું લાવી આપું. તું જા. અને હા, મમ્મીને કશો બફાટ કરતો નહીં. ચૂપ મરજે. કંઈ પણ પૂછે તો એમ જ કહેવું, ‘મને નથી ખબર.’ જા તું મમ્મી સાથે મીઠાઈ ખા....
‘તેં મમ્મી, બફાટ એટલે શું?’
‘બેટા, તને બફાટ એટલે શું તે હમણાં નહીં સમજાય. તું ને તારો ભાઈ મીઠાઈ ઝાપટો. હું જરા પપ્પાને મીઠાઈ ખવડાવીને આવું છું.’
ગુસ્સામાં પોતાની તરફ આવી રહેલ પત્નીની ચાલ પરથી જ સમજી ગયેલ પતિ સૂપના વાટકા જ્યાં ઊભો હતો ત્યાં જ મૂકીને મીઠાઈ લેવા લાઇનમાં ઊભા રહીને મસ્કા મારતાં બોલ્યો, ‘ડાર્લિંગ, તારે માટે તને ભાવતી મીઠાઈ લેવા લાઇનમાં ઊભો રહી ગયો છું. તું તારે નિરાંતે જેટલી ઝાપટવી હોય એટલી ઝાપટી લેજે.’
‘મન તો મારું એમ કહે છે કે મીઠાઈ તો પછી પણ ઝાપટી શકાશે. પહેલાં હું તને જ ઝાપટી નાખું. જાતની ઘરવાળી ને છોકરાં રાહ જોતાં લાઇનમાં ઊભાં છે અને ભાઈ પારકીને પોતિકી કરવા સૂપના વાટકા લઈને લાઇનમાં ઊભા હતા. આપણને એમ કે મફત છે તો પહેલાં બધા સાથે બેસીને મીઠાઈ ખાવાની મજા લઈશું. પણ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની..’
હજી ટેબલ પર બેસી બાળકો સાથે પહેલો ટુકડો માંડ મોંમાં મૂકવા જતાં હતાં, ત્યાં એક માસીએ આવીને કહ્યું,
‘રાજેશભાઈ, પછી તમે સૂપ આપવા આવ્યા જ નહીં. સાવ આવું કરવાનું? ઑફિસમાં તો રોજ બપોરે તમે કેવો સરસ નાસ્તો ઠેઠ ખાઉધરા ગલી સુધી ચાલતા જઈને લઈ આવો છો. આજે કેમ આળસી ગયા?!’
ત્યાં બીજી આવીને બોલી, ‘કેમ રાજેશભાઈ, સાવ એકલા એકલા? ઑફિસમાં તો અમને મૂકીને કદી ખાતા નથી ને અહીં મીઠાઈ ઝાપટવા લાગ્યા?’
‘વાહ... તમે તો ભાભી સાથે ઓળખાણ પણ નથી કરાવતા.’
ના... ના, એવું કંઈ નથી. આ મારી પત્ની વર્ષા. અને વર્ષા, આ મારી ઑફિસની બહેનો છે. (મારી નહીં.) તારી બનાવેલી વાનગી એમને બહુ ભાવે છે.’
(હવે ઘરે આવ, પછી તારી વાત.)
તેં ભાભી, અમને તમારી વાનગી ખાવા આપીને એ ભાઈ બહાર ઝાપટવા ચાલ્યા જાય.
અમે ના કહીએ તો કહે, આવું ખાઈ ખાઈને હવે ગળામાં ડૂચા બાઝે છે. જરા બહાર ખાઈ આવીએ અને ત્યાં મેળ ના પડે તો તમારા હાથની રસોઈ ક્યાં નથી?
મીઠાઈ તો બાજુ પર જ રહી ગઈ અને વાત આડે પાટે ચડી ગઈ. રાજેશભાઈને હવે ખાતરી થઈ ગઈ હતી કે આજે શનિ, રાહુ, કેતુથી લઈ બધા જ ગ્રહો વક્રી થયા લાગે છે. આ બંને ઑફિસની સખીઓ જેટલી વધારે બેસશે, એટલો વધારે બફાટ થશે અને જેટલો વધારે2બફાટ થશે એટલું જોખમ વધી જશે.
તરત જ રાજેશભાઈએ પૂછ્યું,
‘તમારા ઘરવાળા સાથે નથી આવ્યા? એ તમારી રાહ જોતા હશે, નહીં?’
‘કેમ, તમને ખબર તો છે કે અમે બંને સખીઓએ લગ્ન કર્યાં નથી અને કરવાનાં પણ નથી. સમજ્યા?’
રાજેશે હવે ટ્રેક બદલ્યો અને કહ્યું, ‘હું તારે માટે લાઇનમાં ઊભો રહીને પિઝા લઈ આવું છું. તમે ત્રણેય વાતો કરો.’
‘રાજેશભાઈ, તમે જાઓ છો તો અમારા માટે પનીર પિઝા અને બાજુના સ્ટોલ ઉપર દહીં પૂરી મળે છે તે પણ લેતા આવજો. આપણે ઑફિસમાં કરીએ છીએ એવી રીતે એક ડિશમાંથી જ ખાઈ લઈશું.’
હવે આ ઑફિસવાળી તેમજ ઘરે જઈને ઘરવાળી પણ દાવ લેવાની જ છે... એ વાતે રાજેશભાઈને પસીનો વળવા લાગ્યો.
‘એક કામ કરીએ. (અહીં આગ અને દિવાસળી એક સાથે ટેબલ ઉપર ભેગી મૂકીને જાય તો જોખમ છે એ નક્કી વાત.) આપણે બધા સાથે જ પોતપોતાની ડિશ હાથમાં લઈને ઊભાં રહીએ. તો જેને જે જોઈએ તે ગરમા ગરમ લઈને ફટાફટ ખાઈ લેશે, (ફટાફટ ખાઈને ઘર ભેગાં થવામાં ફાયદો અને જોખમ બંને છે. પણ અહીં સાથે જો લાંબુ રહ્યા, તો ઘરે નહીં પણ અહીંયા જ ધોલાઈ શરૂ થશે. એ વાત રાજેશભાઈને સમજાઈ ગઈ હતી.)
આખરે બધા જ લાઇનમાં ઊભાં રહી ગયાં. ત્યાં પેલા તોફાનીએ આવીને કહ્યું, ‘મમ્મી, પપ્પાએ પછી બફાટ જેવું કંઈ મને કહેલું, એનો અર્થ હજી નથી સમજાયો. એ મને સમજાવને, મમ્મી.!’
‘દીકરા, તમે જલદી જલદી જેટલું ઝપટાય એટલું પેટ ભરીને ઝાપટી લ્યો. ઘરે જઈને હું તમને નિરાંતે ઝાપટવું અને બફાટ એ બંનેનો સાચો અર્થ વેલણ લઈને અભિનય સાથે બતાવીશ. એટલે જરા હમણાં પપ્પાને ખાઈને તાજામાજા થવા દે. એ પછી મને ઝાપટવાની મજા આવશે.’