પ્રજ્ઞા વશી
બા ઘણીવાર કહેતી, ‘ભૂત તો ગમે ત્યારે ધૂણે... એનું કંઈ કહેવાય નહીં.’ ત્યારે તો અમે નાનાં હતાં એટલે ભૂતવાળી વાત બરાબર સમજાઈ નહોતી, પણ મોટપણે અમે હાઇસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. એકવાર મૂળજીભાઈ રજા લીધા વિના દરવાનને ધક્કો મારીને સીધા વર્ગખંડમાં આવીને મોટે મોટેથી હુરટી ભાસાનો જય હો, ‘હુરટી ભાસાનો જય હો...!’ એવા બરાડા પાડવા લાગ્યા. આમ પણ આખી સ્કૂલના કર્મચારીથી લઈ શિક્ષકો, વિદ્યાર્થીઓ મૂળજીકાકાને સારી રીતે ઓળખે.
મૂળજીભાઈ પોતે, તેમનો દીકરો મોહન અને મોહનનો દીકરો રાજુ અમારી શાળાના વિદ્યાર્થી. એમના દીકરાનો દીકરો રાજુ પહેલી જ પાટલી ઉપર બેઠેલો હતો. આમ ભણવામાં સારો, પણ બોલવા ઊભો થાય એટલે પૈસા પડી જાય. (એનું બોલેલું એને જ સમજાય.) ય નો સ, શ નો પણ સ, ટ નો ત, સ નો હ, ણ નો ન જેવા અનેક ગોટાળા કરતો ફરે અને એને માતૃભાષાનું શુદ્ધીકરણ કરવાનું કહેવામાં આવે તો બીજે જ દિવસે એના દાદા મૂળજીભાઈ ધૂણતા હાજર થઈ જાય.
મૂળજીભાઈ પણ મૂળે હુરટીની હો વધારે પડતી હુરતી કરીને બોલે અને એમને જો કંઈ કહેવા જઈએ તો શિક્ષકોને હુરટી કઈ રીતે બોલાય એનું જ્ઞાન પીરસવા બેસી જાય.: ‘તે માસ્તરાણી, ટમે કાલે મારા રાજુને ધમકાયવો. પન એક વાટ હાંભરી લ્યો. આ વરહે ફેબ્રુઆરી મહિનાથી હુરતીઓ ભાસા અંગે આંડોલન કરવાનાં છીએ. અમારી માગણી એક જ છે કે હુરટી ભાસાને જલદીમાં જલદી માતૃભાસા બનાવી દ્યો એટલે બધાને શાંતિ થેય જાય. એક ટો હુરટી બોલવામાં બો હેલ્લી છે. કોઈપણ શબ્દ ટમે જાટે જ બોલીને જોઈ લો. હાવ હીધ્ધો ને હરલ.
(સરળ) એમ પણ અમને હુરટીને આ સ, શ, ષ જેવા ભેદભાવ બિલકુલ ગમતા નથી. આમ જુઓ તો ચણાના લોટમાંથી ખમણ, ખમણી, પાતુડી, લોચો, ચણાનું ચાટીયું બધ્ધું જ કેમ ફટાફટ બની જાય. તેમ આ સ, શ, ષ એવા ભેદભાવ બાદ કરીને એ બધાને જ્યાં જેમ વાપરવા હોય ત્યાં મૂકી શકે... જેમકે માસ્તરાની જુઓ, સરકાર બોલું, શરકાર બોલું કે ષરકાર બોલું એમાં કાનને કંઈ વાંધો આવતો નથી. અને બધ્ધા સમજી જાય છે કે ઉં હું બોલ્યો. (હું શું બોલ્યો) એમ ધીરે ધીરે ઘીના શીરાની જેમ હુરટી બોલી બધાને ફાવતી ને ભાવતી હો થઈ જહે. એતલે બધા મારી હાથે બોલો ‘હુરટીની જય હો...’;
આખરે આ નારાઓનો અવાજ સાંભળી આચાર્ય દોડી આવ્યા અને મૂળજીભાઈનું ભૂત કાઢીને ઘર સુધી મૂકી આવ્યા. દર ફેબ્રુઆરી મહિનો આવે તે પહેલાં ‘હુરટી બોલીનો જય હો...’;
ગજવવા મૂળજીભાઈ આવી તો નહીં જાય ને? એ બીકે દરવાનને ચેતવવો પડે છે.
ભૂત તો અમારી દાદીને પણ ઘણીવાર ધુણાવતું અને એ ભૂત મહિનાઓ સુધી હેરાન કરતું. દાદી ખાવાની બાબતે આમ કેમ રાંધ્યું અને આ શાક સાથે રોટલા જ બધાએ ખાવાજોઈએ. આ દાળ સાથે તો બાસમતી જ રાંધવા ને ભડકામાં તો કણકી જ જોઈએ. આમાં અજમો તો પડવો જ જોઈએ. દૂધ તો આ જ રીતે ઉકાળીને એમાં આટલું જ દહીં પડવું જોઈએ..... મોટેભાગે કેરીની સિઝનમાં એ ભૂત અનેક ગણું ધૂણવા લાગે.
કેરી કેવી રીતે ખાવી, રસ કેવી રીતે કાઢવો, કંઈ કાપીને જ ખાવીથી લઈને કેરી સાથે રોજ શું બનવું જોઈએ એની કચકચ ત્રણેય વહુ સાથે એવી ચાલતી કે ઉનાળાની સિઝનમાં ‘પિયર કેરી ખાવા બોલાવે છે.’ એમ કહીને ત્રણે વહુ વારાફરતી પિયર ભેગી થઈ જતી. એમનું ભૂત તો ભૂવાઓથી પણ નીકળે એવું નહોતું. બા કહેતી, ‘એ તો લાકડા સાથે જ જવાનું છે.’ ભૂત પણ આટલા બધા જિદ્દી હોય એ તો અમને મોટપણે જ ખબર પડી.
પડોશમાં રહેતા રામજીભાઈને ઘણીવાર ભૂત વળગતું અને એ પણ લાકડા ભેગું જ ઉપર સ્વર્ગે ગયેલું. રામજીભાઈ ભયંકર ચોક્ક્સાઈવાળા. ઘરમાં એક પણ વસ્તુ આમથી તેમ ના ચાલે.
વાસણ ઉપર, કપડાં ઉપર કે દીવાલ ઉપર ડાઘ હોય તો ઘરમાં બધાનું આવી બન્યું! ડાઘ જોયો નથી કે સ્વચ્છતા ઉપર ભાષણ ચાલ્યું નથી. પ્રથમ એમની પત્ની હડફેટે આવી જતી. એ પછી ચારે સંતાનો વારાફરતી હડફેટે ચડી જતાં. જ્યાં સુધી ડાઘ સાફ ન થાય ત્યાં સુધી ઘરમાં માતમ છવાયેલો રહેતો. દરેક કાર્ય બંધ કરીને દરેક જણે એ ડાઘ કાઢવાના પ્રયત્નો કરવાના રહેતા.
એ દરમિયાન ડાઘ કોણે પાડ્યો, કઈ રીતે પાડ્યો એ સાચેસાચું જાણવા ન મળે ત્યાં સુધી સતત ભાષણ ચાલુ રહેતું અને ઘરમાં રસોઈ પણ ના થતી. એટલે વારાફરતી કોઈ એકે ભૂલ સ્વીકારી લેવાની એમ નક્કી કરવામાં આવેલું. એટલે વાત જલદી બંધ થાય.
ઘરમાં દાખલ થતાં પહેલાં દરેકે પગ ધોવાના. બહાર પાણીની બાલટી અને ટુવાલ મૂકેલો હોય. મહેમાનો બૂટ મોજાં કાઢવાની કસરત કરવા કરતાં બહારથી જ વાત કરીને જવાનું પસંદ કરતા. બે વાર ઘરના કચરા પોતાં ને બે વાર સુગંધી ઍર ફ્રેશનર ફરજિયાત. ભૂત જેવું ભૂત પણ આવી શિસ્તથી કંટાળીને ભાગી જાય એ વાત સાચી, પરંતુ રામજીભાઈની કડપને કારણે પારકી આવેલ દીકરાની વહુ બે મહિનામાં જ પિયર ભેગી થઈ ગઈ અને છોકરાઓ પરદેશ ભેગા.
હવે ગામલોકો કહે છે કે, ‘ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે.’ એમ રામજી ડોહો એકલો ચાર નોકરને રાખીને બે વાર પોતાં મરાવે છે ને પેલું ભૂત રામજીભાઈને પંખો નાખે છે.