Thu Jul 23 2026

Logo

નામ બદલીને બીજી પત્ની સાથે રહેતો લતીફ ગેંગનો શાર્પ શૂટર તસલીમ રાજસ્થાનથી ઝડપાયો, ગુજરાતમાં પહેલીવાર ચલાવી હતી AK-47

Gujarat   2026-06-22 10:02:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં હાલ પોલીસ દ્વારા પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા ઓપરેશન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડૉન લતીફના શાર્પ શૂટર તસલીમ શેખને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તે અમદાવાદના રાધિકા જિમખાન હત્યાકાંડ તથા સાંસદ રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં જેલમાં હતો. પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વખત તેણે AK-47 ચલાવી હતી. તે નામ બદલીને બીજી પત્ની સાથે રહેતો હતો. 

શું હતો મામલો

તસલીમે 1992માં ઓઢવના ધમધમતા રાધિકા જીમખાનામાં પોતાની ગેંગ સાથે જઈ બૂટલેગર હંસરાજ ત્રિવેદીનું ઢીમ ઢાળવા માટે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 9 લોકોના જીવ ગયા હતા. તસલીમે ગુજરાતમાં પહેલી વખત AK-47 સહિતના ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. 

નામ બદલીને બીજી પત્ની સાથે રહેતો હતો

સાબરમતી જેલમાં કારાવાસ ભોગવતો તસલીમ વર્ષ 2019માં પેરોલ પર બહાર આવ્યો હતો અને પેરોલ જંપ કરીને ફરાર થઈ ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ફિલ્ડ ઇનપુટ્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રાજસ્થાનના ઉદયપુરમાં તેનું લોકેશન મેળવ્યું હતું, જ્યાં તે નામ બદલીને તેની બીજી પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. પોલીસે જણાવ્યું કે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે અલગ-અલવા કામધંધા કરતો હતો.

લતીફ ગેંગ સાથે જોડાયેલો હતો 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધરીને તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, શેખ 1990ના દાયકાની શરૂઆતમાં ગેંગ વોરના સમયગાળા દરમિયાન અબ્દુલ લતીફ ગેંગ સાથે જોડાયેલો હતો અને બે હાઈ-પ્રોફાઈલ કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

રાધિકા જીમખાના કેસમાં, 3 ઓગસ્ટ, 1992ના રોજ તે અને તેના સાગરિતો ઘૂસી ગયા હતા અને બુટલેગર હંસરાજ ત્રિવેદીને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં નવ લોકોના મોત થયા હતા. તપાસકર્તાઓએ આ હુમલાને ગુજરાતમાં ગેંગ-સંબંધિત ગુનામાં AK-47ના ઉપયોગના સૌથી શરૂઆતના કિસ્સાઓમાંથી એક ગણાવ્યો હતો.

ઑક્ટોબર 1992માં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રઉફ વલીઉલ્લાહની હત્યાના કેસમાં પણ શેખ દોષિત સાબિત થયો હતો. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, વલીઉલ્લાહ જીમખાના હત્યાકાંડમાં સામેલ લોકોને બેનકાબ કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

લાંબા સમય બાદ મળી સફળતા

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શેખને શોધવા માટેના સતત પ્રયાસો વર્ષોથી ચાલુ હતા, જેમાં ટીમોએ ઘણા રાજ્યોમાં કડીઓ પાછળ તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીની મદદથી તેનું લોકેશન ટ્રેસ કરવામાં અને તેની ઓળખની પુષ્ટિ કરવામાં સફળતા મળી હતી, જેના કારણે અંતે તેની ધરપકડ કરવામાં આવી હતી.