Wed Jul 01 2026

Logo

ભુજમાં ૩૫ ડિગ્રી સાથે 'વૈશાખી તાપ': કચ્છમાં વિષમ આબોહવા વચ્ચે ગરમીનો પારો ઉંચકાયો

2026-02-16 12:55:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ પૃથ્વીના ઋતુચક્ર પર થઇ રહેલી વિપરીત અસરોથી વિશ્વભરના મોસમ વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે ત્યારે શિયાળાની પ્રમાણમાં વહેલી વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે હાલ ચાલી રહેલા ઋતુ સંધિકાળમાં કચ્છના તાપમાનમાં  ૧૭થી ૨૧ ડિગ્રી જેટલો મોટો તફાવત નોંધાઈ રહ્યો છે. જેના કારણે મોડી સાંજ બાદ ભેજયુક્ત ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે,અલબત્ત મહત્તમ તાપમાન ૩૧થી ૩૫ ડિગ્રી વચ્ચે રહેતાં દિવસભર અકળાવનારી ગરમી પડી રહી છે.

 ભુજમાં આજે મહત્તમ ૩૫ જયારે લઘુતમ ૧૬ ડિગ્રી સે.તાપમાન નોંધાતા હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. ભુજ ઉપરાંત બંદરીય કંડલા સંકુલમાં મહત્તમ ઉષ્ણતામાનનો આંક ૩૩ ડિગ્રી પર રહેતાં અહીં ગરમી વર્તાઈ રહી છે,જો કે રાત્રે ૨૪-૨૫ ડિગ્રી સાથે ભેજના પ્રમાણમાં વધારો થતાં ગુલાબી ઠંડીના ચમકારા સાથે ઝાકળવર્ષાથી વહેલી સવારે માર્ગો ભીંજાયેલા જોવા મળી રહ્યા છે. અબડાસાના નલિયામાં દિવસે ૩૨ ડિગ્રી જયારે રાત્રે ૧૧ ડિગ્રી સે.જેટલું નીચું તાપમાન રહેતાં અહીં હિલસ્ટેશન જેવી અનુભૂતિ થઇ રહી છે. 

ભેજયુક્ત માહોલ અને ગરમી સંપૂર્ણપણે ગાયબ થયાં ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ તાવના વાવરે દેખા દીધી હોવાથી આ સમયગાળામાં લોકોને તબિયત પરત્વે વધુ સાવચેત રહેવાની સલાહ નિષ્ણાત તબીબો આપી રહ્યા છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. જે મુજબ, 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. વલસાડ અને નવસારી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. 

(ઉત્સવ વૈદ્ય)