ભુજ: અરબી સમુદ્રમાં આકાર પામેલા પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્ય પર સર્જાયેલી વિવિધ સિસ્ટમોની અસર હેઠળ કચ્છમાં ઉનાળાની આકરી ગરમીના બદલે ચોમાસું માહોલ છવાયો હતો. જિલ્લાના ચારથી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાના કારણે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી, જોકે બપોર બાદ ઉઘાડ નીકળતા મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો.
જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ, મુંદ્રા અને અંજારમાં ૫-૫ મિ.મી. જ્યારે ગાંધીધામમાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મુંદરામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે પાવરપેક્ડ માવઠું થતા રસ્તાઓ ભીંજાયા હતા. અંજાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર ઝાપટાં વરસતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. ગાંધીધામ અને આદિપુરમાં સવારે ૯ વાગ્યાના અરસામાં ૧૫ મિનિટ સુધી વરસેલા વરસાદી ઝાપટાંએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.
નખત્રાણા પંથકમાં પણ 'ચઈતર ડોરો અને ચોમાસે મીં બોરો'ની કહેવત સાર્થક થતી જોવા મળી હતી. રાત્રિના સમયે સાંગનારા વિસ્તારમાં ફૂંકાયેલા જોરદાર વંટોળને કારણે કેટલીક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. વિથોણ પંથક સહિત દેવપર, ધાવડા અને મોરજર જેવા ગામોમાં માર્ગો પલાળતો વરસાદ પડ્યો હતો. બીજી તરફ, પશ્ચિમ કાંઠાના અબડાસાના નલિયા પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વડીલોના મતે ચૈત્ર માસમાં સર્જાતો આવો વરસાદ આગામી સારા ચોમાસાના સંકેત આપે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ૭ અને ૮ એપ્રિલના રોજ ફરી એકવાર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના સેવાઈ રહી છે. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને થતા નુકસાન અંગે ખેડૂત વર્ગ ચિંતિત થયો છે.
(ઉત્સવ વૈદ્ય)