Wed Jul 01 2026

Logo

કચ્છમાં બફારાથી મળશે રાહત: આ તારીખથી મેઘરાજાની પધરામણીની આગાહી

2026-07-01 11:29:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ જેઠ માસ અડધો વીતી ગયો હોવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી ચોમાસાનો વિધિવત પ્રારંભ ન થતાં કચ્છી માડુઓ ચાતક નજરે મેઘવર્ષાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં સમગ્ર જિલ્લામાં અસહ્ય તાપ અને બફારાના કારણે જનજીવન બેહાલ બન્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૨જી જુલાઈથી કચ્છ સહિત રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આશાસ્પદ આગાહી કરી છે. આ વરતારાના પગલે ધરતીપુત્રોમાં વાવણીલાયક વરસાદની નવી આશા જાગી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, આગામી ૨થી ૭ જુલાઈ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ચોમાસુ વરસાદ ગતિ પકડે તેવી પ્રબળ સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં અરબી સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે અને તેની સાથે બંગાળની ખાડીમાં પણ એક નવી મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે. આ બંને સામુદ્રિક સિસ્ટમની સંયુક્ત અસરના કારણે જુલાઈના પ્રથમ પખવાડિયામાં જ કચ્છ પંથકમાં સારો એવો વાવણીલાયક વરસાદ વરસી જશે. વનતંત્ર અને હવામાન વિભાગના મતે ૫મી જુલાઈ સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લેશે.

દરમ્યાન, છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં પવનની દિશા બદલાવાને કારણે ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.  કંડલા (એરપોર્ટ) ૩૯.૬ ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ ૩૯.૦ ડિગ્રી સેલ્સિયસ સાથે શેકાયા હતા જયારે કિલ્લેબંધ ભુજ શહેરમાં ૩૭.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

 વાતાવરણમાં ભેજના ઊંચા પ્રમાણને કારણે વાસ્તવિક ગરમી ખૂબ વધારે અનુભવાઈ રહી છે. આ સાથે જ જિલ્લામાં સરેરાશ ૧૨થી ૧૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. હવે કચ્છીજનો અષાઢી બીજના પાવન પર્વ પૂર્વે જ મેઘરાજા વાજતે-ગાજતે પધારે અને આ અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)