Thu Jul 23 2026

Logo

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ધૂપછાંવનો માહોલ: ભુજના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

2026-07-20 11:58:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધૂપછાંવનો માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ અને પવનની ઝડપમાં વધઘટ વચ્ચે ગરમી અને ઉકળાટ યથાવત્ રહ્યો છે. જિલ્લામાં મહત્તમ તાપમાન સરેરાશ ૩૫થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ ૧૦થી ૧૫ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.

ભુજ તાલુકાના દહીંસરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. આ ઉપરાંત પુનડી, ધુણઈ, સરલી, ચુનડી, ગોડપર અને મેઘપર તરફ પણ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. હવામાન મોડેલ અને વિભાગીય સંકેતો અનુસાર, આગામી ૨૪-૨૫ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવથી આગામી દિવસોમાં રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છ જિલ્લામાં પણ વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ ઉજળી બની છે.

કચ્છમાં સિઝનનો સરેરાશ 3.42 ટકા વરસાદ વરસ્યો છે. અંજારમાં 1.25 ટકા, ભચાઉમાં 6.87 ટકા, ગાંધીધામમાં 5.51 ટકા,  રાપરમાં 18.11 ટકા, નખત્રાણામાં 0.82 ટકા વરસાદ પડ્યો છે.  અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રામાં શૂન્ય ટકા વરસાદ નોંધાયો છે.

(ઉત્સવ વૈદ્ય)