Tue Sep 01 2026

Logo

કચ્છમાં મેઘવિરામે ઉકળાટ વધાર્યો: અનેક વિસ્તારમાં પાણીની વિકટ તંગી, ટેન્કરમાફિયા સક્રિય

2026-08-27 12:14:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં મેઘવિરામે ઉકળાટ વધાર્યો: અનેક વિસ્તારમાં પાણીની વિકટ તંગી, ટેન્કરમાફિયા સક્રિય

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં પ્રવર્તી રહેલા મેઘવિરામના પગલે વાતાવરણમાં ઉકળાટ અને બફારાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દસેક દિવસ સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત્ છે. તાપમાનમાં વધારો થતાં અંજાર અને ગાંધીધામ ૩૬ ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ મથક નોંધાયા હતા, જ્યારે જિલ્લા મથક ભુજ ૩૫ ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર ૨૯ ટકા જેટલો નજીવો વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે.

વરસાદ ખેંચાતાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને ભુજ તાલુકાના પચ્છમ પંથકમાં પાણીનો ગંભીર પોકાર ઉઠ્યો છે. પૂર્વ નાની બન્ની, દેહપટ્ટી અને પાશી વિસ્તાર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અઠવાડિયે કે પંદરેક દિવસે અનિયમિત અને અપૂરતું પાણી વિતરણ થતાં ગ્રામીણ પંથકના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા દર વર્ષે બન્ની-પચ્છમ વિસ્તારમાં પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ છેવાડાના ગામડાં સુધી પૂરતો જથ્થો પહોંચતો નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફાળવવામાં આવતો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે તે તપાસનો વિષય બન્યો છે. હાલ ગ્રામીણ તળાવોમાં માંડ એકાદ મહિના ચાલે તેટલું જ પાણી બચ્યું છે, જે પશુધન માટે આશરો છે. જો તળાવો સુકાઈ જશે તો પશુધનના વિસ્થાપન અને મરણનો ભય ઊભો થશે.

બીજી તરફ, લાઈન મારફતે પાણી મળવાની અનિયમિતતાના કારણે ખાનગી ટેન્કર ચાલકો બેફામ ભાવ વસૂલી રહ્યા છે. ૫૦૦૦ લીટરના ટેન્કર માટે રૂ.૬૦૦ થી રૂ. ૮૦૦ ચૂકવવા પડે છે, જે ગરીબ પરિવારો માટે અસહ્ય બની ગયું છે. પાણીના અભાવે કેટલાક વિસ્તારોમાં લોકો તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.

આ સંકટ નિવારવા માટે સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'પાણી સમિતિ' બનાવવાની માંગ કરી છે. આ સમિતિ મારફતે દર મહિને ગામડાંઓમાં પાણીના જથ્થાની ખરાઈ કરવામાં આવે અને સરપંચના અભિપ્રાય મેળવી પાણીની ચોરી કે કટકી અટકાવવામાં આવે.  વધુમાં, પચ્છમ પંથકની સમગ્ર વિતરણ વ્યવસ્થા કોઈ જવાબદાર સરકારી અધિકારીને બદલે ખાનગી પગારદાર વ્યક્તિના ભરોસે ચાલી રહી હોવાથી પણ ધાંધિયા સર્જાય છે. પાણી પુરવઠા વિભાગ તાકીદે આગોતરું આયોજન કરી વિતરણ વ્યવસ્થા સુધારે તેવી ભાતીગળ પ્રદેશના છેવાડાના વિસ્તારની ગ્રામીણ પ્રજા માંગ કરી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)