Thu Jul 23 2026

Logo

રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે શું લાગ્યા ગંભીર આક્ષેપો? જાણો શિક્ષકે કેમ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

2026-07-20 12:33:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે નાણાકીય ઊઘરાણી, પદનો દુરુપયોગ, વહીવટી ગેરરીતિઓ અને શિક્ષકોને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની માંગ પ્રબળ બની છે. પ્રાથમિક શિક્ષણાધિકારીના કથિત ત્રાસથી કંટાળીને એક શિક્ષકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રાપર તાલુકાના શિક્ષણ વિભાગમાં વહીવટી શિસ્તનું સંપૂર્ણ પતન થયું છે. જિલ્લા ફેર બદલી પામેલી શિક્ષિકાનો પગાર રોકી રાખી ગેરકાયદેસર નાણાંની માંગણી કરવી,

નવી સર્વિસ બુક બનાવવા માટે રૂ.૫૦૦થી રૂ.૧૦૦૦ તેમજ જિલ્લા ફેર બદલીના કિસ્સામાં શિક્ષક દીઠ રૂ ૫૦૦૦થી રૂ.૭૦૦૦નું ઊઘરાણું કરવું.
'તગા' પ્રાથમિક શાળાના આચાર્ય પાસે વહીવટી કામગીરીના નામે રૂ.૧.૫ લાખની લાંચ માંગવી અને ન આપતાં માનસિક ત્રાસ આપતી નોટિસો ફટકારવી, સરકારી કામગીરી કે ગંભીર બીમારી સબબ રજા કે વૈકલ્પિક વ્યવસ્થા માંગનારા શિક્ષકોને પણ ખોટી તપાસો અને નોટિસો આપી ડરાવવા જેવા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કથિત રીતે પ્રામાણિક શિક્ષકોને કાયદાનો ડર બતાવી આર્થિક શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપો થયા છે.

દરમ્યાન, ટીપીઓ દ્વારા સતત કરાતા માનસિક ઉત્પીડન અને નાણાકીય દબાણથી કંટાળીને શિક્ષક શૈલેષભાઈ દરજીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ રાપરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પીડિત શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ત્રણ દિવસમાં ભ્રષ્ટ અધિકારી સામે કડક પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બીજીબાજુ, આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, રાપર ટીપીઓ વિરુદ્ધ ફરિયાદો મળી છે. આ મામલે તપાસ માટે ટીમ રવાના કરવામાં આવશે અને જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો સસ્પેન્શન સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)