ભુજઃ કચ્છી નવા વર્ષ આષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાએ કચ્છમાં હાજરી પુરાવી હતી. ચાલુ વર્ષે અધિક માસ હોવાના કારણે અંગ્રેજી કેલેન્ડર મુજબ આષાઢી બીજ ભલે થોડી મોડી આવી, પરંતુ વરસાદે પણ જાણે બીજની પરંપરા જાળવી હોય તેમ સમગ્ર પંથકમાં શુકનવંતો વરસાદ વરસાવ્યો હતો. વાગડના મુખ્ય મથક રાપરમાં પોણા બે ઇંચ જેટલો વાવણીલાયક વરસાદ પડતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે, જ્યારે ઔદ્યોગિક નગરી ગાંધીધામ સંકુલ અને દુધઈ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
રાપર શહેરમાં અસહ્ય ઉકળાટ અને શાંત વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થઈ હતી. આશરે એક કલાક સુધી કાચા સોના સમાન વરસેલા વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. રાપરમાં ત્રિકમસાહેબની પવિત્ર સમાધિ દરિયાસ્થાનથી ત્રિકમસાહેબના વીરડા સુધી પરંપરાગત રીતે યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન વરસતા વરસાદમાં ભાવિક ભક્તો પણ ભીંજાયા હતા.
રાપર મામલતદાર એચ.બી. વાઘેલાના જણાવ્યા અનુસાર, આષાઢી બીજના દિવસે બપોર સુધીમાં રાપરમાં ૪૩ મીમી એટલે કે, પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. અગાઉ નોંધાયેલા ૫૫ મીમી વરસાદ સાથે હવે રાપર તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૯૮ મીમી (આશરે ચાર ઇંચ) એ પહોંચ્યો છે.
ગામડાંઓની સ્થિતિ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રંબૌ ગામમાં અડધો ઈંચ તેમજ રામવાવ અને કુડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
દુધઈ પંથકમાંથી મળતા અહેવાલ મુજબ, કચ્છી નવા વર્ષના પાવન દિવસે બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. અંદાજે એક કલાક સુધી અનરાધાર વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. છેલ્લા બે દિવસના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ પાલર પાણી વરસતાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી અને ગ્રામ્ય માર્ગો તેમજ શેરીઓમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ગાંધીધામ સંકુલમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને માત્ર હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેનાથી માર્ગો ભીંજાયા હતા અને હવામાં થોડી ઠંડક પ્રસરી હતી. જો કે, બપોર બાદ ફરી કડક તડકો નીકળતાં ગરમી અને બફારાનું પ્રમાણ બેવડાયું હતું.
ગાંધીધામ ઉપરાંત આદિપુર, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી સહિતના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હવામાન વિભાગની સત્તાવાર આગાહી હોવા છતાં ગાંધીધામ સંકુલવાસીઓને હજી પણ સાર્વત્રિક અને ધોધમાર વરસાદ માટે રાહ જોવાની નોબત આવી હતી.
(ઉત્સવ વૈદ્ય)