Thu Jul 23 2026

Logo

જેને બચાવવા ગયો એ જ કાળ બન્યો: નખત્રાણામાં સાપ કરડતાં રેસ્ક્યૂઅર યુવકનું મોત

2026-06-05 12:52:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે માનવતાનું કામ કરવા જતાં એક સાપ પકડનારા યુવાન માટે ઝેરી કાળોતરો સાપ જ કાળ સાબિત થયો હતો. પોતાના જ ફળિયામાં નીકળેલા અત્યંત ઝેરી સાપને પકડીને પ્લાસ્ટિકના ડબ્બામાં સુરક્ષિત પૂરતી વખતે સાપે આંગળીના ભાગે ડંસ મારી દેતાં યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. અનેક મૂંગા જીવો અને માનવીઓના જીવ બચાવનારા યુવાનના આવા અણધાર્યા મોતથી મહેશ્વરી સમાજ અને ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, ઘડાણી ગામના અસ્મિતા જાગૃતિ વાસમાં આવેલી સ્વર્ણ સોસાયટી વિસ્તારમાં ગત 2 જૂનની સાંજે એક ભયાનક કાળી નાગણ દેખાઈ હતી. આ અંગે ફળિયામાં જ રહેતા અને લાંબા સમયથી સાપ પકડવાની સેવા આપતા 24 વર્ષીય યુવાન મોહન વાછિયાભાઇ મહેશ્વરીને જાણ કરવામાં આવી હતી. મોહનભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોતાની કુશળતાથી નાગણને કાબૂમાં લઈ લીધી હતી,જો કે, આ જીવને જંગલમાં મુક્ત કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરતી વખતે અચાનક નાગણે તેની આંગળી પર ડંસ મારી દીધો હતો.

ઝેરની તીવ્ર અસરના કારણે મોહનભાઈની તબિયત લથડતાં તેમને108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક મોહનભાઈ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને અગાઉ પણ તેમણે અનેક ઝેરી-બિનઝેરી સાપોના સુરક્ષિત રેસ્કયૂ કરીને વન-વગડામાં છોડ્યા હતા. આ મામલે પરિવારે અકસ્માતને થવાકાળ ગણીને પોસ્ટમોર્ટમ કે પોલીસ તપાસ કરાવવાનો સાફ ઈન્કાર કરી દેતાં આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી અને હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)