Thu Jul 23 2026

Logo

ગુજરાત હાઇકોર્ટના આદેશથી કંડલા પોર્ટ પર લાંગરેલું તુર્કીનું જહાજ એડમિરલ્ટી એક્ટ હેઠળ જપ્ત

2026-07-10 17:05:39
Author: Chandrakant Kanoja
Article Image

કંડલા: ગુજરાત હાઈકોર્ટે કંડલા પર લંગર નાખીને ઉભેલા તુર્કીના માલવાહક જહાજ 'એમ.વી. પેસિફિક હાર્મની'ની તાત્કાલિક અસરથી અટકાયત કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં  દુબઈ સ્થિત એમ.એલ.બી. શિપિંગ અને ઈસ્તંબુલ ડેનિસિલક (ઈસ્તંબુલ મેરીટાઈમ) કંપની વચ્ચેના ત્રણ કરોડ ડોલરના વ્યાપારી વિવાદને પગલે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.  

આ સમગ્ર વિવાદની શરૂઆત ઈસ્તંબુલ મેરીટાઈમ કંપનીના અન્ય એક જહાજ 'પેસિફિક વિક્ટર' સાથે જોડાયેલી છે. એમ.એલ.બી. શિપિંગે ઈટાલીથી કુવૈત અને ઉમ્મ કસર સુધી માલ મોકલવા માટે આ કંપની સાથે કરાર કર્યો હતો. જોકે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ ઠપ થઈ જતાં જહાજ મધ દરિયે અટવાઈ પડ્યું હતું.

હોર્મુઝમાં  90 દિવસ સુધી અટવાયેલું રહ્યું


દુબઈની કંપનીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે માલ ઓમાનના સોહર અથવા દુક્મ પોર્ટ પર ઉતારવાની અને વિલંબ બદલ વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી. પરંતુ, જહાજ માલિકોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો અને જહાજ હોર્મુઝમાં  90 દિવસ સુધી અટવાયેલું રહ્યું. એમ.એલ.બી. શિપિંગનો આરોપ છે કે, જહાજ કંપનીએ તેમના 3 કરોડ ડોલરના માલને 'બંધક' બનાવી તેનો સ્ટોરેજ ફેસિલિટી તરીકે દુરુપયોગ કર્યો છે.

એડમિરલ્ટી એક્ટ'ની જોગવાઈ મુજબ જહાજ જપ્ત 

ત્યારે ગંભીર સવાલ એ પેદા થયો હતો કે વિવાદ 'પેસિફિક વિક્ટર' જહાજને લઈને છે. તો કંડલામાં આવેલા 'પેસિફિક હાર્મની' જહાજને શા માટે અટકાવવામાં આવ્યું? આ મુદ્દે દુબઈની કંપનીના વકીલોએ અદાલતમાં દલીલ કરી હતી કે, 'એડમિરલ્ટી એક્ટ'ની જોગવાઈ મુજબ, જો કોઈ માલિકના એક જહાજ સામે વિવાદ હોય, તો નુકસાનીની વસૂલાત માટે તે જ માલિકના અન્ય જહાજને પણ અટકાયતમાં લઈ શકાય છે.ત્યારે હાઇકોર્ટે આ તર્કને માન્ય રાખી કંડલા પોર્ટ અને કસ્ટમ ઓથોરિટીને જહાજને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે જહાજ માલિકો સમક્ષ કડક શરત મૂકી

ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાહત મેળવવા માટે જહાજ માલિકો સમક્ષ કડક શરત મૂકી છે. જો ઈસ્તંબુલ મેરીટાઈમ કંપની 3.05 કરોડ ડોલરનું નુકસાન, 80 હજાર ડોલરનો કાનૂની ખર્ચ અને મુદ્દલ રકમ પર 18 ટકા વ્યાજ કોર્ટમાં સિક્યુરિટી તરીકે જમા કરાવે તો જ જહાજ છોડવાનું વોરંટ રદ કરવામાં આવશે. હાલ આ આદેશના પગલે મેરીટાઇમ ક્ષેત્રે ભારે ચકચાર મચી ગઈ છે.

(ઉત્સવ વૈધ)