અમદાવાદથી શો પતાવી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત: કળાજગતમાં શોક
ભુજઃ કચ્છમાં 'હાઉઝી કિંગ' તરીકે જાણીતા અને અબાલવૃદ્ધ સૌમાં લોકપ્રિય કલાકાર લય હિમાંશુ અંતાણી (ઉં.વ.૪૪, રહે. અંતરજાળ)નું પડાણા નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. ગાંધીધામની પી.એન. અમરશી શાળામાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા લય અંતાણીના આકસ્મિક અવસાનના સમાચાર પ્રસરતાં જ સમગ્ર કચ્છ અને કળાજગતમાં ભારે ગમગીની સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
મળતી વિગતો મુજબ, કચ્છ તેમજ રાજ્યભરમાં હાઉઝીના અનેક સફળ કાર્યક્રમો આપનાર લય અંતાણી અમદાવાદ ખાતે યોજાયેલા એક શોમાં હાજરી આપીને કાર મારફતે પરત ફરી રહ્યા હતા. પ્રવાસ દરમિયાન તેઓ માળિયા સુધી કારની પાછળની સીટ પર બેઠા હતા અને ત્યારબાદ આગળની સીટ પર આવીને બેઠા હતા. વહેલી પરોઢે તેમની કાર પડાણા નજીકથી પસાર થઈ રહી હતી, તે સમયે આગળ જઈ રહેલી બસના પાછળના ભાગે કાર ધડાકાભેર અથડાઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં લય અંતાણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવ બનતાં જ ઈજાગ્રસ્ત કલાકારને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે એમ.એલ.સી. નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરવા સહિત આગળની તપાસ હાથ ધરી હતી.
(ઉત્સવ વૈદ્ય)