Thu Jul 23 2026

Logo

ગાંધીધામ રેલવે ડિવિઝનનો નવો વિક્રમ: જૂન મહિનામાં પ્રતિદિન સરેરાશ ૨,૨૫૨ વેગનોમાં માલ લોડિંગ કરાયું

2026-07-02 13:30:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના કંડલા, મુંદરા અને તુણા પોર્ટ જેવા દેશના અગ્રણી બંદરોને કારણે પૂર્વ કચ્છનો ગાંધીધામ વિસ્તાર રેલવે માટે કમાણીનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગાંધીધામ રેલવે એરિયાએ માલ લોડિંગ ક્ષેત્રે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જૂન મહિનાની કુલ આવકમાં ગાંધીધામ વિસ્તારનું મહત્તમ યોગદાન રહ્યું છે, જ્યાં દરરોજ સરેરાશ ૨,૨૫૨.૯૩ વેગનોમાં માલ લોડિંગ કરવામાં આવ્યું હતું. આ આંકડો જૂન ૨૦૨૫ની સરખામણીએ ૧૨.૫૪ ટકાનો મોટો વધારો દર્શાવે છે.

રેલવે પ્રશાસન દ્વારા ગત જૂન મહિનામાં મુંદરા અદાણી પોર્ટ પરથી ૫૮૭ ડબલ સ્ટેક કન્ટેનર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરીને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ સ્થાપિત કરાયો છે. આ પૂર્વે ઓક્ટોબર ૨૦૨૫માં ૫૭૦ રેક લોડ કરવાનો રેકોર્ડ હતો. સમગ્ર અમદાવાદ ડિવિઝન દ્વારા જૂન મહિનામાં પ્રતિદિન સરેરાશ ૨,૯૪૧ વેગનોમાં માલ લોડિંગ કરાયું હતું, જેમાંથી સિંહફાળો આપતા એકલા કચ્છ વિસ્તારમાંથી જ ૨,૨૫૫ વેગનોનું હેન્ડલિંગ કરાયું હતું. જૂન માસ દરમિયાન કુલ ૪.૪૨ મિલિયન મેટ્રિક ટન માલસામાનનું પરિવહન કરાયું છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૦.૨૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

જિલ્લામાંથી થતી માલસામાનની નિકાસમાં અલગ-અલગ ચીજવસ્તુઓના લોડિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં કોલસામાં ૬૧.૩૬ ટકાની વૃદ્ધિ, ખાડી દેશના યુદ્ધ વચ્ચે પણ ખાતરમાં ૪૪.૯૬ ટકાની વૃદ્ધિ તેમજ નમકના પરિવહનમાં ૨૫.૧૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ  છે. 

રેલવેની કાર્યક્ષમતા અને આધુનિકીકરણના કારણે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (વીજળીથી ચાલતા એન્જિન)ના ઉપયોગમાં ૩.૨૮ ટકાનો વધારો થયો છે, જેને લીધે રેલવેની સંચાલન ક્ષમતા વધુ સુદ્રઢ બની છે. ગત મહિનામાં રેલવે દ્વારા ૧૫૬ ‘લોન્ગ-હોલ’ એટલે કે,વધુ લંબાઈ ધરાવતી માલગાડીઓ દોડાવવામાં આવી હતી, જે પાછલા વર્ષની સરખામણીએ ૪૫૭.૧૪ ટકાની ઐતિહાસિક વૃદ્ધિ દર્શાવે છે. હાલમાં કચ્છમાં રેલવે નેટવર્ક વિસ્તરણના અનેક મોટા પ્રકલ્પો ચાલી રહ્યા હોવાથી, આગામી સમયમાં ભારતીય રેલવેની તિજોરી ભરવામાં કચ્છ વિસ્તારનું યોગદાન હજુ પણ વધુ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)