ભુજ: સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદની ચિંતાજનક સ્થિતિને પગલે પશુપાલકોની મુશ્કેલીઓ નિવારવા ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના નાના, સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોનું પશુધન સચવાઈ રહે તે માટે સરકારે રાહત દરે ઘાસચારો પૂરો પાડવાની વિશેષ યોજના મંજૂર કરી છે. આ વ્યવસ્થા હેઠળ પશુપાલકોને પશુ દીઠ દૈનિક 4 કિલોગ્રામ ઘાસ માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે આપવામાં આવશે, જેનાથી પશુપાલકોના આર્થિક બોજમાં મોટો ઘટાડો થશે.
સરકારના આદેશ અનુસાર, આ યોજનાનો લાભ પશુપાલકો સુધી સમયસર અને કોઈપણ ક્ષતિ વિના પહોંચે તે સુનિશ્ચિત કરવા સ્થાનિક વહીવટી તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને પશુપાલન વિભાગને વિતરણ કેન્દ્રો પર પારદર્શક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઈ છે.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રની દરખાસ્તને ગ્રાહ્ય રાખીને આ મંજૂરી આપી છે. હાલમાં વન વિભાગના વિવિધ ગોડાઉનો ખાતે 28 લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે, જેના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરી લેવાયું છે. પશુપાલકોએ ઘાસ મેળવવા માટે જરૂરી આધાર-પુરાવા સાથે પોતાના ગામના તલાટીને અરજી કરવાની રહેશે.
આ અરજીના આધારે સંબંધિત મામલતદાર દ્વારા પશુપાલકોને 'ઘાસકાર્ડ' ઈસ્યૂ કરવામાં આવશે, જે દર્શાવીને પશુપાલકો નજીકના ગોડાઉન પરથી રાહતદરનું ઘાસ મેળવી શકશે. વહીવટી તંત્રના આ નિર્ણયથી વરસાદની ખેંચના કારણે ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકોને મોટી ચિંતામાંથી મુક્તિ મળી છે.
(ઉત્સવ વૈદ્ય)