ખાવડામાં ૩.૬ અને ધોળાવીરામાં ૩.૨ની તીવ્રતાના આંચકા નોંધાયા
ભુજઃ ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ સિસ્મિક ઝોન-૬માં સમાવાયેલા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં અષાઢી બીજના મહાપર્વની ઉજવણી વચ્ચે આજે ગુરુવારે બપોરે ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા. માત્ર ત્રણ મિનિટના ટૂંકા ગાળામાં સરહદી પંથકની ધરા ધ્રુજી ઉઠતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા અનુક્રમે ૩.૬ અને ૩.૨ નોંધાઈ હતી.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે ૨:૨૦ કલાકે ખાવડાથી નજીક નોંધાયો હતો, જેની તીવ્રતા ૩.૬ની હતી. ત્યારબાદ બરાબર ત્રણ મિનિટ બાદ, એટલે કે બપોરે ૨:૨૩ કલાકે વૈશ્વિક વિરાસત ધરાવતી ઐતિહાસિક સાઇટ ધોળાવીરા અને તેની આસપાસના વિસ્તારોમાં ૩.૨ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.
કચ્છી નૂતન વર્ષના સપરમા તહેવારના દિવસે જ ઉપરાઉપરી ભૂકંપના બે આંચકા આવતા સરહદી વિસ્તારના રણકાંઠાના ગામોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે કચ્છનો આ વિસ્તાર ફોલ્ટ લાઇન પર આવેલો હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા આવતા રહે છે, જે પૃથ્વીના પેટાળમાં થતી હલચલનો સામાન્ય ભાગ છે. આ પ્રકારના નાના આંચકા જમીનની અંદર એકત્ર થતી રહેતી ઊર્જાને મુક્ત કરવામાં મદદરૂપ સાબિત થાય છે, જે મોટા ભૂકંપની સંભાવનાને ઘટાડે છે.