ભુજ: તાલુકાના કોટડા (ચકાર) ગામે મંગળવારે મધ્યરાત્રિએ ૨૮ વર્ષીય વિનય મહેશ્વરી નામના યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટનામાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ગામમાં જ રહેતા મોહન મુરજી ઘેડા નામના શખ્સે યુવકની પત્ની સાથે અનૈતિક સંબંધો બાંધી, તેને ગર્ભવતી બનાવી યુવકનો હસતો-ખેડતો સંસાર ઉજાડ્યો હતો. આટલું જ નહીં, છૂટાછેડા બાદ પણ આરોપી મોહને મૃતક યુવકની સગી બહેનના અશ્લીલ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને મરવા મજબૂર કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
પત્ની ગામના જ યુવકના પ્રેમમાં પડી હતી
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક યુવકના લગ્ન ૬ વર્ષ અગાઉ થયા હતા અને તેમને ચાર વર્ષની એક પુત્રી પણ છે. લગ્નજીવન દરમિયાન પત્નીને ગામના જ મોહન ઘેડા સાથે પ્રેમસંબંધ બંધાતાં ઘરમાં કજિયો શરૂ થયો હતો, જેના કારણે પત્ની એક વર્ષથી પિયર જતી રહી હતી. પાંચ માસ અગાઉ કોર્ટ કેસમાં સમાધાન થતાં, યુવક પોતાનો ઘર સંસાર બચાવવા માટે કોટડા છોડીને પત્ની સાથે મુંદરાના ગુંદાલા ગામે રહેવા જતો રહ્યો હતો. જો કે, ત્યાં ગયાના એકાદ મહિના બાદ તેને ખબર પડી કે તેની પત્ની ત્રણ માસનો ગર્ભ ધરાવે છે. પૂછપરછ દરમિયાન પત્નીએ સ્વીકાર્યું હતું કે આ ગર્ભ તેના પ્રેમી મોહનનો છે. આ આઘાત સહન ન થતાં યુવકે દોઢ માસ પહેલાં પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને પરત કોટડા આવી ગયો હતો.
પત્નીને અપાવેલા મોબાઈલમાંથી મળી ચેટ
છૂટાછેડા બાદ યુવક પોતાની પત્નીને અપાવેલો મોબાઈલ પરત લઈ આવ્યો હતો. આ ફોનમાં ઈન્સ્ટાગ્રામ ચેટ ચેક કરતી વખતે તેને મોહન અને તેની પૂર્વ પત્ની વચ્ચેની વાતચીત મળી આવી હતી, જેમાં મોહને ધમકી આપી હતી કે, ‘તેં મને મૂકી દીધો છે એટલે હવે હું તારી નણંદ (મૃતકની બહેન)ના ફોટા-વીડિયો વાયરલ કરીને તેની સગાઈ તોડાવી નાખીશ અને તેને બદનામ કરી દઈશ.’ બહેનની બદનામીના આ પેતરા જાણીને યુવક સંપૂર્ણ ભાંગી પડ્યો હતો. આરોપી મોહને ત્યારબાદ યુવકને પણ ફોન પર માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ અંગે યુવકે દોઢ માસ અગાઉ પદ્ધર પોલીસ મથકે લેખિત અરજી પણ આપી હતી, છતાં આરોપીનો ત્રાસ બંધ ન થતાં અંતે કંટાળીને યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલે પદ્ધર પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે આરોપી મોહન ઘેડા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. કેસની તપાસ ચલાવી રહેલા પી.આઈ. એ. ડી. ખાંટે જણાવ્યું કે, અગાઉ અરજીના આધારે આરોપી સામે અટકાયતી પગલાં લેવાયા હતા, પરંતુ ગુનો દાખલ થતાં જ આરોપી મોહન ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા.
જો પોલીસે અગાઉ જ અરજી વખતે ત્વરિત કાર્યવાહી કરી હોત, તો કદાચ ૨૮ વર્ષના આશાસ્પદ યુવકનો જીવ બચી ગયો હોત તેવો સ્થાનિકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)