Wed Jul 01 2026

Logo

કચ્છના ભુજમાંથી એસએમસીએ દરોડો પાડી ચાર કરોડથી વધુનો દારુ ઝડપ્યો, બે લોકોની ધરપકડ

2026-02-20 18:03:00
Author: Chandrakant Kanoja
Article Image

ભુજ: કચ્છ જિલ્લામાં નશાખોરીનું દુષણ સતત વ્યાપક બની રહ્યું છે તેવામાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ભુજ તાલુકાના ધાણેટી-વડવાલા ગામના સીમાડે ત્રાટકેલી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ચાર કરોડથી વધુની કિંમતના દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં  માદક પદાર્થો ઘુસાડવાના સોફ્ટ પેસેજ બની ચૂકેલા કચ્છમાં ધમધમી રહેલા શરાબના સંગઠિત નેટવર્કને ખુલ્લું પાડ્યું છે.


દેશી અને વિદેશી દારૂ ઝડપાયો 

કચ્છની અત્યાર સુધીની સૌથી મોટી દારૂ પકડવાની કામગીરી અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલા ચોક્કસ ઈન્પુટના આધારે ભુજ તાલુકાના વડવાલા ગામના સર્વે નંબર ૩૯ના પ્લોટ પર દરોડો પાડ્યો હતો. આ પ્લોટ પર દરોડા સમયે વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા બુટલેગરોમાં રાજ્યસ્તરની પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ.૪,૦૦,૮૫,૨૭૦ના મૂલ્યની કુલ ૫૬,૦૮૮ બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત કચ્છમાં દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા કુલ ૬ જેટલા રૂ.૧.૦૮ કરોડના મૂલ્યના નાના-મોટા વાહનો જેમાં બે  ટ્રક, ત્રણ મિની ટ્રક અને એક બોલેરો પીક-અપ જીપને જપ્ત કરવાની સાથે કુલ રૂ. ૫,૦૯,૦૬,૨૭૦નો મુદ્દામાલ પદ્ધર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.

23  જેટલા નામચીન બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

રાજ્યસ્તરની પોલીસે સર્વે નંબર ૩૯ના પ્લોટ પર દારૂનું કટિંગ કરી રહેલા જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં પોલીસે 23  જેટલા નામચીન બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો નવઘણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર કાપડી અને હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે.

દારુના કારોબારીઓ વિરુદ્ધની કામગીરી સામે ગંભીર સવાલો 

હાલ આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત ગુનાખોરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરથી ત્રાટકેલી ટુકડી દ્વારા કરવામાં આવેલી આ સીધી કાર્યવાહીએ પશ્ચિમ કચ્છ પોલીસની દારુના કારોબારીઓ વિરુદ્ધની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.