ભુજઃ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનામાં (જૂન અને જુલાઈના પ્રથમ પખવાડિયા સુધીમાં) સર્પદંશના 63 કેસો નોંધાયા છે, જેમાં જૂન દરમિયાન 40 અને જુલાઈમાં અત્યાર સુધીમાં 23 દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી છે. મેડિસિન વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર, ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સાથે માર્ચ-એપ્રિલથી જ આવા કેસો વધવા લાગે છે, જે વર્ષાઋતુ દરમિયાન ચરમસીમાએ પહોંચે છે.
ચોમાસા દરમિયાન જાગૃતિ રાખવા માટે ખાસ અપીલ
વરસાદને કારણે સાપ પોતાના દરમાંથી બહાર નીકળી રહેણાંક વિસ્તારો અને ખેતરો તરફ આવતા હોવાથી ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો, શ્રમજીવીઓ અને બાળકો તેનો વધુ ભોગ બને છે. તબીબોએ ચોમાસા દરમિયાન આગમચેતી અને જાગૃતિ રાખવા માટે ખાસ અપીલ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચ અને બૂટ-ચંપલનો ફરજિયાત ઉપયોગ કરવો તેમજ ખેતરમાં કામ કરતી વખતે લાંબા રબ્બરના બૂટ અને ફૂલ પેન્ટ પહેરવા હિતાવહ છે. આ ઉપરાંત, ઘરની આસપાસ કચરો કે ઉંદરોનો ઉપદ્રવ ન થવા દેવો અને ઘાસની ગંજી કે અંધારા ખૂણામાં સીધો હાથ નાખવાનું ટાળવું જોઈએ.
સર્પદંશના કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જરૂરી
સર્પદંશના કિસ્સામાં અંધશ્રદ્ધા કે ઘરગથ્થુ ઉપચારોમાં સમય બગાડવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. તબીબી સલાહ અનુસાર, સર્પદંશ વખતે દર્દીએ ગભરાયા વિના શાંત રહેવું અને ડંખવાળા ભાગનું હલનચલન બંધ કરવું. ઘા પર ચીરો મૂકવો નહીં, મોંથી લોહી ચૂસવાનો પ્રયત્ન ન કરવો કે દોરી-પટ્ટો કસીને બાંધવો નહીં. કેટલાક ઝેરી સાપના લક્ષણો મોડા દેખાતા હોવાથી, દંશની તાત્કાલિક અસર ન જણાય તો પણ દર્દીને તબીબી તપાસ માટે હોસ્પિટલ અવશ્ય લઈ જવા તબીબોએ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)