Fri Apr 17 2026

Logo

પુત્રનો મરણનો દાખલો લેવા ગયેલા પિતાનું અકસ્માતમાં મૃત્યુ

2026-04-05 12:37:41
Author: MayurKumar Patel
Article Image

પુત્રનો મરણનો દાખલો લેવા ગયેલા પિતાનું અકસ્માતમાં મૃત્યુ

ભુજ: નસીબની બલિહારી કેવી હોય છે તેનો જીવંત અને હૃદયદ્રાવક કિસ્સો પૂર્વ કચ્છના ભચાઉમાં જોવા મળ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રનો મરણનો દાખલો મેળવવા આવેલા પિતાનું પણ માર્ગ અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પનારામ શંકરરામ ભીલ નામના આધેડ તેમના અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રનો મરણનો દાખલો લેવા માટે ભચાઉ નગરપાલિકામાં આવ્યા હતા. જોકે, ત્યાંથી અઠવાડિયા પછી આવવાનું કહેવામાં આવતા, તેઓ કેશારામ ઉર્ફે કિશોર સોલંકી સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લેવા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ પોલીસ મથકે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અણુશક્તિ કંપની સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માટીના ઢગલાને કારણે છકડો રિક્ષા (નંબર જીજે-૦૭-વાયઝેડ-૦૧૨૬) પલટી મારી ગઈ હતી. રિક્ષાચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં પનારામ ભીલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કેશારામને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ભચાઉ પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, બંદરીય માંડવી તાલુકાના મોઢવા ગામે ગત મોડી રાત્રે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૧૫ વર્ષીય આશાસ્પદ સગીરનું મોત નીપજતાં અરેરાટી પ્રસરી છે.  રસ્તા પર અચાનક નીલગાય આડી ઉતરતા મોટરસાઇકલ પરથી કાબૂ ગુમાવવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટના અંગે માંડવી મરિન પોલીસ મથકેથી જાણવા મળેલી વિગતો અનુસાર, ગત તા. ૩ એપ્રિલની મધ્યરાત્રિએ ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ફરદીન કાસમ અબ્દુલ્લા લાખન (ઉં.વ.૧૫) તેના મિત્ર ઇમરાન સાથે મોટરસાઇકલ (નંબર જીજે-૧૨-ડીક્યુ-૪૫૧૫) પર મોઢવા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક માર્ગ પર નીલગાય આવી જતાં મોટરસાઇકલ માર્ગની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. 

આ અકસ્માતમાં ફરદીનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા કાસમ અબ્દુલ્લાએ માંડવી મરીન પોલીસ મથકે બનાવ અંગે જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(ઉત્સવ વૈદ્ય)