ભુજ : કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે આ વખતે જિલ્લાના રાજકીય માળખામાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં પ્રથમવાર ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના કારણે નગરપાલિકા અને જિલ્લા પંચાયત એમ બંને સ્તરે બેઠકો અને મતદારોના ગણિત બદલાયા છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં અંજાર, ભુજ, ગાંધીધામ, માંડવી અને મુંદરા એમ 5 નગરપાલિકાઓની કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ગાંધીધામ હવે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા (મનપા) બનતા આ યાદીમાંથી તેની ૫૨ બેઠકો બાદ કરવામાં આવી છે. તેની સામે નખત્રાણા નગરપાલિકાનો નવો સમાવેશ થતા ત્યાં 24 બેઠકો ઉમેરાઈ છે. જેના પગલે હવે 5 નગરપાલિકાઓની કુલ 172 બેઠકો પર ઉમેદવારો ભાગ્ય અજમાવશે.
જિલ્લા પંચાયતની બેઠકો 40 થી ઘટીને 38 થઈ
ગાંધીધામ મનપા બનતા તેના સીમાંકનમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થવાથી મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2021 માં ગાંધીધામમાં 1,73,714 જેટલા મતદારો હતા, જે વધીને હવે 2,15,313 જેમાં 1,12,250 પુરુષ અને 1,03,059 સ્ત્રી પર પહોંચ્યા છે. બીજી તરફ, ગાંધીધામ મનપાની રચના અને SIRની કામગીરીને કારણે જિલ્લા પંચાયતની બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. મીઠી રોહર અને અંતરજાળ બેઠકો નાબૂદ થતા જિલ્લા પંચાયતની બેઠકો 40 થી ઘટીને 38 થઈ છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત
જિલ્લા પંચાયત સ્તરે મતદારોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં જિલ્લા પંચાયતની બેઠકો પર કુલ 10,75,380 મતદારો નોંધાયા હતા, જે વર્ષ 2026 માં ઘટીને 9,76,885 થયા છે, એટલે કે પાંચ વર્ષમાં કુલ 98,495 મતદારોનો ઘટાડો થયો છે. જેમાં 50,557 પુરુષ અને 47,339 સ્ત્રી મતદારો ઓછા થયા છે. વહીવટી તંત્રના મતે આ ઘટાડા પાછળ મુખ્યત્વે ડુપ્લીકેટ મતોના નામ કમી કરવાની ઝુંબેશ અને નવા સીમાંકન પ્રક્રિયા જવાબદાર છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત છે ત્યારે મતદારોની યાદીમાં થયેલું આ શુદ્ધિકરણ અને બદલાયેલી બેઠકો આગામી ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર પાડી શકે છે.
(ઉત્સવ વૈધ)