રાજ્યમાં ચિત્તાઓના લાંબાગાળાના વસવાટને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા કચ્છના બન્નીમાં 20,000 હેક્ટર વિસ્તાર ભવિષ્યના રહેઠાણ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો
અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં ચિત્તાઓનું આગમન થશે. જે બાદ રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચિત્તાઓના લાંબાગાળાના વસવાટને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં 20,000 હેક્ટર જેટલો વિસ્તાર ભવિષ્યના રહેઠાણ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બન્નીના ઘાસીયા મેદાનમાં સૂચિત કરવામાં આવેલા આ વન વિસ્તારમાં હાલમાં તૈયાર થઈ રહેલા 660 હેક્ટરના ચિત્તા સંવર્ધન કેન્દ્ર કરતાં લગભગ 30 ગણું મોટું છે. આ પગલાનો હેતુ જ્યારે ગુજરાતમાં ચિત્તાઓ લાવવામાં આવે અને તેઓ વંશવેલો વધારે, ત્યારે તેમને સરળતાથી ત્યાં સમાવી શકાય તેવો છે. આ વિસ્તરણ યોજના સાથે, બન્ની ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી દેશનું બીજા નંબરનું સૌથી મોટું ચિત્તા સંવર્ધન કેન્દ્ર બને તેવી અપેક્ષા છે.
ક્યાં આવેલો છે આ વિસ્તાર
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, 20,000 હેક્ટરનો આ વિસ્તાર બન્ની ઘાસિયા મેદાનના 3.84 લાખ હેક્ટર જમીનની અંદર જ આવેલો છે. તેમજ હાલના સંવર્ધન કેન્દ્રથી થોડો દૂર છે. આ સમગ્ર વિસ્તાર વન વિભાગની હદમાં આવતો હોવાથી ભવિષ્યના વિસ્તરણ માટે જમીન સંપાદન કે અન્ય મંજૂરી લેવી નહીં પડે.
હાલના સંવર્ધન કેન્દ્રમાં આશરે 60 હેક્ટરમાં ફેલાયેલા ક્વોરેન્ટાઇન અને ખાસ વાડા સામેલ છે, જેની સાથે 10 ફેન્સિંગ વાડા બનાવવામાં આવ્યા છે. જેમાં 10 જેટલા ચિત્તાઓને રાખી શકાય છે. જેમ-જેમ ચિત્તાઓની વસ્તી વધશે, તેમ-તેમ નવા ચિહ્નિત કરાયેલા વિસ્તારના યોગ્ય ભાગોમાં ફેન્સિંગ કરવાનું અને પ્રાણીઓને ધીમે-ધીમે ત્યાં મુક્ત કરવામાં આવશે.
નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ગુજરાતને ત્રણથી છ ચિત્તાઓ ફાળવવામાં આવે તેવી સંભાવના છે, જે મોટાભાગે કુનોથી લાવવામાં આવશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે જમીન પૂરી પાડી છે, જ્યારે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટનો બાકીનો અંદાજે રૂ. 18 કરોડનો ખર્ચ ભોગવ્યો છે.
ચિત્તા પ્રોજેક્ટ માટે ભાવનગરથી 500 કાળિયારનું થશે સ્થળાંતર
આવનારા દિવસોમાં બન્નીમાં પ્રથમ તબક્કે 3 થી 4 ચિત્તાઓને મુક્ત કરવા માટે વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગરના વેળાવદર અને ભાલ વિસ્તારમાંથી આશરે 500 કાળિયારને કચ્છના બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં છોડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્નીમાં હાલમાં મોટા હિંસક પ્રાણીઓને નભાવી રાખવા માટે શિકારની સંખ્યા પૂરતી નથી. આવાસની તૈયારીના ભાગરૂપે અગાઉથી જ ચિત્તલ અને સાબર જેવી પ્રજાતિઓ ત્યાં છોડી છે અને હવે તેઓ કાળિયાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે ચિત્તાનો સૌથી મનપસંદ શિકાર માનવામાં આવે છે.
કાળિયારની ક્યાં છે સૌથી વધુ વસતી
કેન્દ્ર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે બન્ની ગ્રાસેલન્ડમાં ચિત્તાઓ માટે ભારતનું પ્રથમ કેપ્ટિવ બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવી રહ્યા છે. કાળિયાર વલ્લભીપુર, સિહોર, ધોલેરા, વેળાવદર અને સમગ્ર ભાલ વિસ્તારના 32 ગામોમાં જોવા મળે છે, અને નવીનતમ ગણતરી મુજબ તેમની વસ્તી આશરે 6,300 ની આસપાસ છે.
બન્નીની ઈકો સિસ્ટમ થશે મજબૂત
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને કેન્દ્ર સરકાર તરફથી કાળિયારને બન્નીમાં સ્થળાંતર કરવાની મંજૂરી મળી ગઈ છે. ભાવનગરના રેવન્યુ વિસ્તારોમાં રહેતા કાળિયારો માનવીય દખલગીરીનો સામનો કરી રહ્યા છે. આ નિર્ણય બંને પક્ષે ફાયદાકારક સાબિત થશે. કારણ કે કાળિયારને નવું આવાસ મળશે અને સાથે જ બન્નીની ઇકોસિસ્ટમ મજબૂત થશે.
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, બન્નીની ઘાસભૂમિની ઇકોસિસ્ટમ ભાલ વિસ્તારને ઘણી મળતી આવે છે. રેવન્યુ વિસ્તારોમાં રહેતા કાળિયારો પર અનેક પ્રકારના જોખમો છે, જેમાં રખડતા શ્વાનોના હુમલા, ધોલેરાની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મીઠાના અગરોનું વિસ્તરણ અને ખેતીની જમીનનું બિન-ખેતીમાં રૂપાંતર સામેલ છે.
ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી છે શરૂ
સૂત્રો મુજબ ભવિષ્યમાં ચિત્તાઓની સંખ્યા વધારી શકાય તે હેતુથી આ વિસ્તારમાંથી ચોમાસા પૂર્વે જ બિનઉપયોગી ગાંડા બાવળો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવાઈ છે.