ભરત પટેલ
ભગવાન શિવ નંદીને કહે છે કે કુમારની વર્તણૂંકથી માઠું લગાવશો નહીં. નંદી કહે છે કે પ્રભુ કુમાર મને અત્યંત પ્રિય છ,ે તેમની વાતથી મને માઠું લાગવાનો સવાલ જ નથી, કુમારને એવું તો નહીં લાગે ને કે દરેક વખતે તેમની ઉપેક્ષા જ થાય છે, તેમના શબ્દની કોઈ કિંમત નથી અહીં. પ્રભુ કુમારની મનોદશા અસ્વસ્થ થઈ જશે, તમે એમને સાચવી લો. ભગવાન શિવ નંદીને સમજાવતાં કહે છે, કુમારને વસ્તુસ્થિતિની સમજ હોવી જોઈએ, અરુણાસુરની માતાને પુન:ર્જીવિત નહીં કરી શકાય એ જ સત્ય છે. નંદી ભગવાન શિવના આશિર્વાદ લઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.
બીજી તરફ માતા પાર્વતી કુમાર કાર્તિકેયને સમજાવતાં કહે છે, અરુણાસુર જે ઇચ્છે છે એ સંભવ નથી. એ વાત સાચી છે કે સૂર્યદેવ, વિનાયક અને ઋષિ માર્કંડેયને પુન:ર્જીવિત કરાયા હતા પણ એમની ઉપસ્થિતિ સંસારના કલ્યાણ માટે જરૂરી હતી પણ એક સાધારણ માનવી માટે જીવન-મરણનું સંસારચક્ર તોડવું યોગ્ય નથી.
ક્રોધિત કુમાર કાર્તિકેય માતા પાર્વતીને કહે છે, ‘મેં અરુણાસુર ની માતાને પુન:ર્જીવિત કરી દિર્ઘાયુ કે અમરત્વ માટે તો નથી કહ્યું, ફક્ત થોડા સમય માટે અરુણાસુર પોતાની માતાનો પ્રેમ પામી શકે, શું પિતાજી અને તમારા માટે મારા વચનનું કોઈ મૂલ્ય નથી.’ માતા પાર્વતી કાર્તિકેયને સમજાવતાં કહે છે, ‘પુત્ર તમારે વચન આપવા પહેલા વિચારવું જોઈતું હતું, કે આવું વચન આપી શકાય. આ વચન તમારા પિતા કે હું પણ ન આપી શકું એ વચન તમે કઈ રીતે આપી શકો? તમને તમારા પિતાએ પહેલાં જ ચેતવ્યા હતા તમે કરેલી ભૂલને સંતાડવા અમે સૃષ્ટિના નિયમોનો ભંગ નહીં કરી શકીએ.’
કુમાર કાર્તિકેય કહે છે ‘હા માતા મારી ભૂલ થઈ છે, પણ મારે હવે એ વિચારવું રહ્યું કે મારાથી કઈ મોટી ભૂલ થઇ છે, વચન આપવાની કે કોઈપણ સંજોગોમાં મારા માતા-પિતા મારી સાથે છે એવું સમજવાની. અહીં વાત અરુણાસુરને આસુરીશક્તિથી દૂર કરવાની, એને સારા માનવ તરીકે પરિવર્તિત કરવાની છે જો એની મા જીવિત થઈ જાય તો એ આજીવન પિતાશ્રીની ભક્તિ કરવા તત્પર છે. માતા પાર્વતી સમજાવતા કહે છે, ‘કુમાર ભક્તિ ભક્તિ હોય છે, ભક્તમાં નિર્મળ ભક્તિ હોવી જોઈએ નહીં કે કોઈ સોદાબાજી.’ માતા પાર્વતી તરફથી કોઈ સાંત્વન કે સહકાર ન મળતાં કુમાર કાર્તિકેય ત્યાંથી ચાલ્યા જાય છે. પુત્રને આમ રિસાઈને જતાં રહેતાં માતા પાર્વતીના નેત્રમાંથી આંસુ સરી આવે છે.
*
માતા પાર્વતીની આંખોમાંથી નીકળી રહેલા આંસુથી ભગવાન શિવ વ્યથિત થાય છે.
માતા પાર્વતી: ‘હું કુમારને સમજાવવા જાઉં છું.’
ભગવાન શિવ: ‘થોભો પાર્વતી, આ વસ્તુસ્થિતિ યોગ્ય નથી, સંતાનોના વિકાસ માટે તેમને માતા-પિતાએ એકલા છોડવા અનિવાર્ય છે. જ્યાં સુધી કુમાર આત્મમંથન નહીં કરે ત્યાં સુધી સાચી વસ્તુસ્થિતિ કુમારને નહીં સમજાય, તેમણે ફરી રણસંગ્રામમાં ઉતરવું પડશે. તમારે ચિંતિત થવાની જરૂર નથી કુમાર તેમની પાલક માતા કૃતિકાઓ પાસે પહોંચી ગયા છે.’
*
કુમાર કાર્તિકેયને જોઈ કૃતિકાઓ(સીવા, સંભુતી, પ્રિતી, સન્નતી, અનાસુયા અને ક્ષમા) ભાવવિભોર બની જાય છે.
માતા સીવા: ‘પુત્ર તમે આટલા વરસો સુધી ક્યાં હતાં, માતાની યાદ ન આવી? પુત્રના વિરહમાં માતાની એક એક પળ કઈ રીતે વીતે છે એ તમને ક્યાંથી ખબર પડે?’
બધી માતાને પ્રણામ કરી આશિર્વાદ લે છે.
કુમાર કાર્તિકેય: ‘માતા હવે તમારા વિરહનો અંત આવી ગયો છે હું અહીં તમારી સાથે છું. તમારો સ્નેહ પામી હું પોતાને પરમ ભાગ્યશાળી હોવાની અનુભૂતિ પામી રહ્યો છું.’
માતા સંભુતી: ‘કુમાર તમને યાદ છે તમે નાના હતા ત્યારે મારી સાથે જ રમતા, આ બીજી માતાઓ ઈર્ષ્યાભરી લાગણી અનુભવતી, હવે તમે મારી સાથે જ રમજો.’
માતા સન્નતી: ‘કુમાર જ્યારે તમને જમાડવાની કોશિષ કરતાં ત્યારે તમે મારા હાથેથી જ જમતા, ત્યારે બીજી માતાઓ પણ ઈર્ષ્યાભરી લાગણી અનુભવતી.’
માતા ક્ષમા: ‘એ ના ભૂલો કે હું હાલરડું ગાતી ત્યારે જ કુમાર નિંદ્રામાં પોઢાતા.’
કૃત્તિકાઓ કુમાર કાર્તિકેયને ફરી લાડ લડાવવા લાગી, પણ કુમાર કાર્તિકેયના મુખ મંડલ પરની આભા જોઈ કૃત્તિકાઓ સમજી શકતી હતી કે કાર્તિકેય કોઈ તકલીફમાં છે.
માતા અનાસુયા: ‘પુત્ર સંકોચ ન અનુભવો, અમે તમને પ્રેમ કરીએ છીએ, તમારી માતા છીએ, તમારા મુખ મંડળની આભા જોઈ સમજી શકીએ છીએ કે તમે કોઈ પિડા અનુભવી રહ્યા છો, કહો પુત્ર શું થયું?’
કુમાર કાર્તિકેય: ‘માતા શું હું કંઈક ભૂલ કરી રહ્યો છું, અરુણાસુર નામે એક અસુર છે તેણે દેવતાઓને બંદી બનાવી સંસારમાં અત્યાચાર ફેલાવી રાખ્યો હતો, તેણે યમદેવનો વધ કરી પોતાની માતાને ફરી જીવિત કરવાની ઇચ્છા દર્શાવી હતી, એ યમદેવનો વધ કરવા જ જઈ રહ્યો હતો મેં તેને અટકાવ્યો, એણે કહ્યું હું મારી માતા ફક્ત પુન:ર્જીવિત કરવા માગું છું અને ત્યારબાદ આજીવન ભગવાન શિવનો સેવક બની તેમની ભક્તિ કરીશ, પણ પિતાજી અરુણાસુરની માતાને પુન:ર્જીવિત કરવા માંગતા નથી. હું ફક્ત એની માતાને ફક્ત પુન:ર્જીવિત કરવા માગું છું કોઈ અમરત્વ નથી માગતો.’
માતા સીવા: ‘પુત્ર આ યોગ્ય નથી, ભગવાન શિવ અને માતા પાર્વતી યોગ્ય જ કહી રહ્યા છે. સાધારણ માનવી માટે જીવન-મરણનું સંસારચક્ર તોડવું યોગ્ય નથી. તમારે આવું વચન ન આપવું જોઈએ.’
માતા સીવાની વાતથી કુમાર કાર્તિકેયને દુ:ખ થતાં તેઓ ત્યાંથી વિદાય લે છે.
*
કુમાર કાર્તિકેય ભગ્ન હૃદયે ત્યાંથી વિદાય લેતાં કૃતિકાઓ (માતા સીવા, માતા સંભુતી, માતા પ્રિતી, માતા સન્નતી, માતા અનાસુયા અને માતા ક્ષમા) કૈલાસ પહોંચે છે.
માતા સીવા: ‘પ્રભુ! કુમાર કાર્તિકેયને મેં સમજાવ્યું કે તમારે આવું વચન ન આપવું જોઈએ, એટલે કુમારને ક્રોધ આવતાં તેઓ ક્યાંક વિહરી રહ્યા છે, અમને ચિંતા થઈ રહી છે કે કુમાર ક્રોધમાં કંઈક અનુચિત ન કરી બેસે, તમારી દરમિયાનગીરી હવે આવશ્યક થઈ ગઈ છે.’
માતા પાર્વતી: ‘સ્વામી તમે જો યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હોય તો અનુચિત છે પણ હું મારા પુત્રને આ અવસ્થામાં છોડી નહીં શકું.’
ભગવાન શિવ: ‘પાર્વતી! રોકાઈ જાવ હું ફરી એકવાર કુમારને પોતાની જવાબદારીનું ભાન કરાવીશ કે તેઓ દેવ સેનાપતિ છે, એક યોદ્ધા છે.’
આટલું કહી ભગવાન શિવ અને માતા પાર્વતી કુમાર કાર્તિકેય પાસે જાય છે.
ભગવાન શિવ: ‘પુત્ર હવે તમને જ્ઞાત થયું કે નહીં, તમારી ભાવનાઓને સંયમમાં રાખો, તમે એક દેવ સેનાપતિ છો, તમારું કર્તવ્ય શું છે એ સમજો.’
માતા પાર્વતી: ‘પુત્ર સંસારના કલ્યાણ માટે તમે જો વચન આપો તો અમે ક્ષણના વિલંબ વગર પૂર્ણ કરીએ પણ અહીં અરુણાસુરની નીતિ યોગ્ય નથી.’
કુમાર કાર્તિકેય: ‘માતા તમે લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયનો સંબંધ ક્યારેય મારી સાથે રહ્યો છે ખરો?’
ક્રોધિત કાર્તિકેય માતાનો હાથ છોડી ત્યાંથી ચાલી જાય છે.
*
કૃતિકા માતા સંભુતી: ‘પ્રભુ કુમાર કાર્તિકેયને રોકો! એ ક્યાં જશે? શું કરશે?’
ભગવાન શિવ: ‘કૃત્તિકા માતાઓ ચિંતિત ન થાઓ, શાંતિ અને માર્ગદર્શન માટે કુમાર કાર્તિકેય કૈલાસ અને કૃત્તિકા લોકને ત્યાગીને ફક્ત ક્ષિરસાગર જઈ શકે છે. આ ત્રણ સ્થાન તેના અતિપ્રિય છે, કુમાર ક્ષિરસાગર તરફ જ પ્રયાણ કરી રહ્યા છે. હવે તેઓ સુરક્ષિત છે. મામા શ્રીહરિ એની યોગ્ય સંભાળ લેશે.’
*
બીજી તરફ અરુણાસુર પ્રકૃતિને પામવા માતા પાર્વતીની આરાધના કરવા લાગ્યો હતો, તેના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થવા માંડી. (ક્રમશ:)