Tue Sep 01 2026

Logo

ગુજરાતમાં હવે પડીકાં પર પ્રતિબંધની લહેરઃ 7 દિવસમાં કેટલાં ગામોમાં મૂકાયો પ્રતિબંધ ?

2026-08-25 11:31:00
Author: Mayur Patel
ગુજરાતમાં હવે પડીકાં પર પ્રતિબંધની લહેરઃ 7 દિવસમાં કેટલાં ગામોમાં મૂકાયો પ્રતિબંધ ?

Ai Image


અમદાવાદઃ ગુજરાતમાં હવે પડીકાં પર પ્રતિબંધની લહેર શરૂ થઈ હોય તેમ લાગે છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામથી શરૂ થયેલી 'પડીકાં મુક્ત ગામની આ મુહિમ હવે બનાસકાંઠાના ગામડાઓ સુધી પ્રસરી છે. 7 દિવસમાં ઉત્તર ગુજરાતના ત્રણ ગામોમાં પડીકાં પર પ્રતિબંધ મૂકાયો છે.

છેલ્લા સાત દિવસમાં ઉત્તર ગુજરાતના ડાવોલ, બાદરગઢ અને રાણાવાડા એમ ત્રણ ગામોએ ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવો પસાર કરીને જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરે જેવા પડીકાંના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ગામડાંની દુકાનોમાં મળતા રૂ. 5 અને રૂ.10 ના રંગબેરંગી પડીકાંના કારણે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી હતી. દાંતનો સડો, પેટના રોગો અને કુપોષણની સમસ્યાઓ વધી રહી હતી, સાથે જ ગામોમાં પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું હતું. આ સ્થિતિ સામે લડવા માટે ગ્રામજનોએ એક થઈને કડક નિર્ણયો લીધા છે.

ખેરાલુનું ડાવોલ ગામ પરિવર્તનનું એપીસેન્ટર હોય તેમ વધુ એક હીતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલા સરપંચની આગેવાનીમાં આ નિર્ણય લેવાયો હતો. ખેરાલુ તાલુકાના આશરે 2,200ની વસ્તી ધરાવતા ડાવોલ ગામથી આ પરિવર્તનની શરૂઆત થઈ હતી. ગામના મહિલા સરપંચની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી 16 ઓગસ્ટથી પ્રતિબંધ લાગુ કરી દેવાયો હતો. જે અંતર્ગત 11 ઓગસ્ટે ગામના તમામ  દુકાનદારોને 15 ઓગસ્ટ સુધીમાં જૂનો સ્ટોક ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી. પડીકાંના વેચાણ બદલ પકડાનારા વેપારીને રૂ.3,100 નો દંડ ફટકારવામાં આવશે.


પાલનપુરના બાદરગઢ ગામમાં પડીકાં સાથે ગુટખા અને દારૂ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. એટલું જ નહીં પ્રતિબંધના ભંગ બદલ નળ-વીજ જોડાણ કપાશે.  ગામને વ્યસનમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે ગ્રામજનો તેમજ સ્થાનિક વેપારીઓએ સાથે મળીને 1 સપ્ટેમ્બર, 2026થી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગામમાં  રૂ. 5 અને  રૂ.10 ના પડીકાં ઉપરાંત ગુટખા અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. નિયમ ભંગ કરનારને રૂ1,000 નો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાંરૂપે નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવા સુધીનો સામૂહિક નિર્ણય લેવાયો છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામે પડીકાં વેચનારને રૂ. 5,000 નો દંડ કરવામાં આવશે. તેમજ આ  દંડની રકમ ગૌશાળામાં વપરાશે. ગ્રામજનોએ 1 સપ્ટેમ્બર, 2026 પછી ગામની કોઈ પણ દુકાનમાં પેક્ડ જંક ફૂડનું વેચાણ નહીં કરવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. પ્રતિબંધ છતાં પડીકાં વેચતા ઝડપાનાર વેપારી પાસેથી રૂ.5,000 નો કડક દંડ વસૂલવામાં આવશે.  આ દંડ પેટે વસૂલાયેલી તમામ રકમ ગામની ગૌશાળાના વિકાસ અને નિભાવ માટે વાપરવાનો પંચાયત દ્વારા સરાહનીય નિર્ણય કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના આ ત્રણ ગામોએ લીધેલા બોલ્ડ નિર્ણયો રાજ્યભરના અન્ય ગામડાઓ માટે પણ આદર્શ ઉદાહરણ બન્યા છે, જે દર્શાવે છે કે બાળકોના આરોગ્ય અને પર્યાવરણ સુધારણા માટે ગ્રામીણ એકતા સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે.