Fri Jul 24 2026

Logo

રાપરના ભીમાસરમાંથી કોંગ્રેસના બેલા બેઠકના ઉમેદવારનું અપહરણ, સમગ્ર પંથકમાં ચકચાર

2026-04-15 10:50:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર ગામે પોતાના ઘર પાસે ઉભેલા બેલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર યુવકનું ત્રણ શખ્સોએ ફિલ્મી ઢબે સ્કોર્પિયો જીપકારમાં અપહરણ કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર રાજેશ કેશા ભીલ ગત તારીખ ૧૧ એપ્રિલના રોજ પોતાના ઘર આંગણે હાજર હતો. તે દરમિયાન બેલા ગામનો શક્તિસિંહ મગુભા વાઘેલા તેના અન્ય બે સાગરીતો સાથે સ્કોર્પિયો જીપકારમાં ત્યાં ધસી આવ્યો હતો. આ શખ્સોએ રાજેશ ભીલને બળજબરીપૂર્વક જીપકારમાં બેસાડી દીધો હતો અને જીપકાર હંકારી દીધી હતી.

અપહરણ બાદ તારીખ ૧૨ એપ્રિલના રોજ રાત્રિના ૧૦ વાગ્યા સુધી રાજેશનો કોઈ પતો ન મળતા અને સંપર્ક સાધી ન શકાતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. અંતે, ભોગ બનનારના ભાઈ મહેશ કેશા ભીલ દ્વારા રાપર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તલસ્પર્શી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર રાજેશ ભીલ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં રાપરની બેલા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ આ પ્રકારની ઘટના બનતા, આ અપહરણ રાજકીય ઈશારે અથવા હરીફ જૂથ દ્વારા દબાણ લાવવાના ઈરાદે કરવામાં આવ્યું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. 

(ઉત્સવ વૈદ્ય)