શ્રીનગર: દક્ષિણ કાશ્મીરમાં થયેલા બે આતંકવાદી હુમલા બાદ હવે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતી એક ઓનલાઈન ધમકી સામે આવી છે. ગુપ્ત આતંકી સંગઠન યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ (ULC) દ્વારા કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓનું ‘હિટ લિસ્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર ULCનો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંબંધ હોવાની આશંકા છે. આ ધમકી બાદ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. નાનામાં નાના ઇન્પુટ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
શ્રીનગરના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં કામ કરતા છ સરકારી કર્મચારીઓના નામ અને ફોન નંબરનો સમાવેશ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી પેકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. આ વિગતો મળતા તેમની વ્યક્તિગત સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
કર્મચારીઓને રજા
ધમકી બાદ જમ્મુ-કાશ્મીર સરકારે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ કામ કરતા કર્મચારીઓને તા.20 ઓગસ્ટ સુધી રજા અથવા વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપી છે, જેથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી શકાય. અગાઉની ધમકીઓ મોટા ભાગે કાશ્મીર ખીણ સુધી મર્યાદિત રહી હતી, જ્યારે આ વખતે જમ્મુ ક્ષેત્રમાં પણ હુમલાની ચેતવણી આપવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આ ધમકી ભર્યા મેસેજ ને ડીકોડ કરીને લોકેશન આંગે પણ જાણકારી શોધવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકી નેટવર્ક એન્ક્રિપ્ટેડ ઓનલાઈન ચેનલો મારફતે સ્થાનિક લોકો પાસેથી કર્મચારીઓની વ્યક્તિગત માહિતી, લોકેશન અને અન્ય લોજિસ્ટિક્સ એકત્ર કરી શકે છે. આવી માહિતીનો ઉપયોગ ટાર્ગેટ તૈયાર કરવા માટે થતો હોવાની વાત પરથી તપાસ ચાલી રહી છે.
પહેલીવાર નથી થયું આવું
આ અગાઉ 2024માં TRF (The Resistance Front) દ્વારા પણ કાશ્મીરી પંડિત કર્મચારીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. તેમાં રેવન્યુ વિભાગમાં કામ કરતા 20 કર્મચારીઓના નામ હતા અને તેમના પર કાશ્મીરમાં બહારના લોકોને જમીન આપવી તથા ડોમિસાઇલ સર્ટિફિકેટ જારી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે બાંદીપોરામાં એક કાશ્મીરી પંડિતને ઓનલાઈન ધમકી આપવામાં આવી હતી.
આ વ્યક્તિએ લગભગ 35 વર્ષ બાદ કથિત ગેરકાયદે કબજામાંથી પોતાની જમીન પાછી મેળવી હતી. સતત મળતી ધમકીથી વધુ એક ચિંતાનો વિષય ખાડી ના પ્રદેશમાં ઊભો થઈ રહ્યો છે. ધમકીભર્યા સંદેશાઓ અને હિટ લિસ્ટ સામે આવ્યા બાદ કાશ્મીરી પંડિત સમુદાયે વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે. સુરક્ષા એજન્સીઓ હાલ આ ધમકી ખરેખર આતંકી નેટવર્ક તરફથી છે કે નહીં તેની તપાસ કરી રહી છે અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તેની પાછળના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
કેમ પંડિતોએ છોડ્યું કાશ્મીર
કાશ્મીરી પંડિતોનો મુદ્દો કાશ્મીરના લાંબા સમયથી ચાલતા સંઘર્ષ સાથે જોડાયેલો છે. 1989-90 દરમિયાન આતંકવાદ અને હિંસા વધતા મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ છોડવી પડી હતી. વિવિધ અભ્યાસોમાં સ્થળાંતર કરનાર લોકોની સંખ્યા અંગે અલગ-અલગ આંકડા મળે છે. ત્યારથી પણ ખીણમાં રહેતા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતા પંડિતોની સુરક્ષા મોટો મુદ્દો રહ્યો છે.
તાજેતરની હિટ લિસ્ટની ઘટના આ જૂના ભયને ફરી જીવંત કરતી જોવા મળી રહી છે. જોકે, હાલની તપાસમાં ધમકીનું મૂળ, તેની વિશ્વસનીયતા અને ULCના સંભવિત આતંકી સંગઠનો સાથેના સંબંધ અંગે સુરક્ષા એજન્સીઓ વધુ માહિતી એકત્ર કરી રહી છે.