Fri Jul 24 2026

Logo

કંડલા બનશે ગ્લોબલ શિપિંગ હબ: જાપાનીઝ ડેલિગેશનની મુલાકાતથી બ્લુ ઈકોનોમીને લાગશે પાંખો!

2026-04-15 15:01:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ સમુદ્રી વ્યાપારમાં પર્યાવરણની જાળવણી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકારના 'હાઈડ્રોજન હબ' મિશનમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા બંદર) અગ્રેસર સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં મિથેનોલ બંકરિંગના સફળ પરીક્ષણ બાદ હવે કંડલા બંદર જહાજ નિર્માણ અને જહાજોના સમારકામ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે. આ દિશામાં આજે જાપાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે કંડલાની મુલાકાત લઈ પ્રકલ્પની  શક્યતાઓ ચકાસી હતી.


 
આ મહત્વની ગણાતી મુલાકાત દરમિયાન જાપાનીઝ પ્રતિનિધિ મંડળે ડી.પી.એ.ના ચેરમેન સુશિલકુમાર સિંહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચેરમેને 'રાષ્ટ્રીય જહાજ નિર્માણ મિશન' અને 'મેરીટાઈમ ઈન્ડિયા વિઝન'ને અનુરૂપ શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટની ઝાંખી પ્રસ્તુત કરી હતી. જહાજ નિર્માણ અને જહાજ સમારકામ ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે સહયોગની નવી તકો અંગે આ મંથન દરમિયાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જાપાનના પ્રતિનિધિ મંડળે અંજાર તાલુકાના વીરા ખાતે જહાજ નિર્માણ  માટે નિર્ધારિત કરવામાં આવેલી જમીનની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. પ્રસ્તાવિત શિપિંગ યાર્ડના વિકાસની સંભાવનાઓ અને ભૌગોલિક અનુકૂળતા અંગે મંડળે ઝીણવટભરી માહિતી મેળવી હતી. 

ઉલ્લેખનીય છે કે, દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા વીરા ખાતે વિશાળ જમીન વિસ્તારમાં શિપ બિલ્ડિંગ હબ બનાવવાનું આયોજન છે, જે અંતર્ગત બજારની જરૂરિયાતોને ધ્યાને રાખીને હાલ ૫૦૦ એકર વિસ્તાર માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કંડલાના આ શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટની ચર્ચા હવે માત્ર રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીની દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન પણ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે  ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જાપાન અને કોરિયા જેવા સમુદ્રી ક્ષેત્રના દિગ્ગજ દેશોનો રસ જોતા આગામી સમયમાં કંડલા-વીરા વિસ્તાર જહાજ નિર્માણના ક્ષેત્રે એશિયાનું મહત્વનું કેન્દ્ર બને તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. 

(ઉત્સવ વૈદ્ય)