થાણે: ભાતમાં ઉંદર મારવાની દવા ભેળવીને ખાઈ જનારી કલ્યાણમાં રહેતી મહિલાનું સારવાર દરમિયાન ચાર દિવસ બાદ મુંબઈની સાયન હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શોભા વાસુદેવ દળવી (69) માનસિક સમસ્યાથી પીડાતી હતી. પાંચમી સપ્ટેમ્બરે દીકરો દહીહંડીની ઉજવણી માટે ગયો હતો ત્યારે સાપડગાંવ ખાતેના ઘરમાં શોભાએ ભાતમાં ઉંદર મારવાની દવા ભેળવી હતી. પછી એ ભાત પોતે ખાઈ ગઈ હતી.
થોડા સમય પછી શોભાનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. તેને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. વધુ સારવાર માટે શોભાને મુંબઈની સાયન હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ ડૉક્ટરે તેના પુત્રને આપી હતી. પરિણામે તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન નવમી સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું.પોલીસના જણાવ્યા મુજબ હૉસ્પિટલના અહેવાલ અને શોભાના દીકરાએ આપેલા નિવેદન પરથી આ ઘટનામાં શંકાસ્પદ જેવું કંઈ જણાયું નહોતું. પોલીસે 18 સપ્ટેમ્બરે એડીઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર