Thu Jun 11 2026

Logo

કલ્યાણ સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: એક વ્યક્તિ પોલ પર ચઢતાં મધ્ય રેલવેની સેવાઓ ખોરવાઈ...

2026-03-22 18:09:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મધ્ય રેલવેમાં કલ્યાણ રેલ્વે સ્ટેશન આજે એક વ્યક્તિ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) માસ્ટ પર ચઢી જવાને કારણે લોકલ ટ્રેન સેવા પર અસર પડી હતી. સુરક્ષાના કારણે પહેલા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યા પછી તેને નીચે ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, એના પછી ટ્રેન શરુ કરવામાં આવી હતી, પરંતુ એને કલાકો લાગતા સમગ્ર સેક્શનની ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી.

આ બનાવ મુદ્દે મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના આજે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે એક વ્યક્તિ પ્લેટફોર્મ 1, 1A અને 2ને વીજ પોલ પર ચઢી ગયો હતો, પરિણામે પ્રવાસીઓને ભરબપોરે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

સલામતીના પગલાં તરીકે ઠાકુર્લી અને આંબિવલી વચ્ચેની ડાઉન લાઇન પર વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે બે આઉટસ્ટેશન ટ્રેનો અને ત્રણ ઉપનગરીય લોકલ ટ્રેનો ખોરવાઈ ગઈ હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે દિવસ દરમિયાન મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર ઉપનગરીય સેવાઓમાં આ બીજો મોટો વિક્ષેપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે થાણે જિલ્લાના ખડવલી રેલ્વે સ્ટેશન પર ક્રેનનો ઝિપ વાયર ઓવરહેડ વાયર સાથે ફસાઈ જતાં સવારે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. 

પ્લેટફોર્મ વિસ્તરણ કાર્ય માટે સવારે 2.45 વાગ્યાથી 4 વાગ્યા સુધી નિર્ધારિત ક્રેન બ્લોક દરમિયાન કસારા-કલ્યાણ વિભાગમાં આ વિક્ષેપ પડ્યો હતો. કલ્યાણ અને કસારા વચ્ચે ટ્રેનોની અવરજવર સવારે 6 વાગ્યા પછી ફરી શરૂ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.

મધ્ય રેલવેની ટ્રેનો ક્યારેય રેગ્યુલર દોડતી નથી, એમાંય આજે રવિવારનો દિવસ એટલે હાલાકીભર્યો હોય છે. ક્યારેય સાચી એનાઉન્સમેન્ટ થતી નથી અને જો એનાઉન્સ કરે તો પણ એકના બદલે બીજા પ્લેટફોર્મ ટ્રેન આવતી હોવાથી પ્રવાસીઓને હાલાકી અપાર છે. આ મુદ્દે રેલવે ગમે તેટલા દાવા કરે, પણ રોજ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓની સમસ્યા ઘટવાને બદલે વધી એ શરમજનક બાબત છે, એમ ડોંબિવલીના રહેવાસીએ જણાવ્યું હતું.