મહેસાણાઃ રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) લાંચિયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. મહેસાણાના કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ. 80 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. પોલીસ ફરિયાદનો નિકાલ કરવા તેણે લાંચ માંગી હતી.
ફરીયાદી તથા તેમના ભાઇઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ હતી. જે ફરિયાદનો નિકાલ કરવા આરોપી અમીન શેખ (અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ- ૩ કડી પોલીસ સ્ટેશન)એ રૂ.૨,૦૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે બાદ રકઝક કરતા આરોપીએ રૂ.૮૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચ તેઓ આપવા માંગતા નહોતા. જેથી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે લાંચનુ છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમ્યાન આરોપી પોલીસ કોન્સ્ટેબલ ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૮૦,૦૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતની પ્રતિષ્ઠિત લાજપોર મધ્યસ્થ જેલમાંથી લાંચખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બંધ કેદીઓની મુલાકાત લેવા આવતા મુલાકાતીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના રેકેટનો ACB એ પર્દાફાશ કર્યો હતો.એસીબી સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનને લાંબા સમયથી આધારભૂત માહિતી મળી રહી હતી કે, લાજપોર મધ્યસ્થ જેલના મુલાકાતી રૂમમાં કેદીઓને મળવા આવતા સગા-સંબંધીઓ પાસેથી મુલાકાતી ફોર્મ ભર્યા વગર અથવા કોઈ પણ કાયદેસરની નોંધણી કર્યા વગર સીધી મુલાકાત કરાવી આપવાના અવેજ પેટે રૂપિયા 500/- થી રૂપિયા 1000/- ની લાંચ માંગવામાં આવે છે. આ બાતમીની ચોક્કસ ખરાઈ કરવા માટે એસીબી દ્વારા તારીખ લાજપોર જેલના મુલાકાતી રૂમ ખાતે એક ખાસ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ છટકા દરમિયાન, એસીબીના સહયોગી બનેલા ડીકોયર (જાગૃત નાગરિક) જેલના મુલાકાતી રૂમમાં ગયા હતા. ત્યાં હાજર આરોપી પ્રતિક કૈલાશ સસાને (ઉંમર વર્ષ 35, રહે. કેશવનગર ભેસ્તાન, સુરત) એ મુલાકાત કરાવી આપવાના બદલામાં ડીકોયરને હાથથી ઈશારો કર્યો હતો. આરોપીએ રૂપિયા 500/- ની લાંચની માંગણી કરી આ રકમ સ્વીકારતા જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.