Wed Jul 01 2026

Logo

પાટીદાર દીકરા-દીકરીઓના ઘડતરમાં ખામી છે, દર અઠવાડિયે ડિવોર્સના બે-ત્રણ કેસ આવે છે...

2026-01-17 10:07:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેરામભાઈ વાંસજાળિયાએ કહ્યું કે, પાટીદાર દીકરા-દીકરીઓના ઘડતરમાં ખામી છે, દર અઠવાડિયે ડિવોર્સના બે-ત્રણ કેસ આવે છે. 

શું બોલ્યા જેરામભાઈ વાંસજાળિયા

સીદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ કહ્યું, આપણા દીકરા અને દીકરીના ઉછેરમાં અમને ક્યાંક ખામી દેખાય છે. એમનું જે ઘડતર થવું જોઈએ એની ખામી દેખાય છે. તમારો દીકરો હોય કે દીકરી હોય 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના પર પ્રભાવ હોય. એનું બરાબર સંસ્કારનું ઘડતર કરો. છૂટાછેડાના અઠવાડિયામાં બે થી ત્રણ કેસ આવે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, અમારી સગાઈ ક્યારે કરી? ખબર નથી. નાના ટેણિયા હતા ત્યારે સગાઈ થઈ જતી અમારી. અને પરણવા ગયા ત્યાં સુધી મોઢું પણ જોયું ન હતું. લગ્નને 55 વર્ષ થઈ ગયાં, કોઈ તકલીફ ન પડી બોસ! અત્યારે સાત-આઠ વખત જોવા જાઓ... આખો પરિવાર જોવા જાય અને મહિના-છ મહિનામાં વાંધા પડે છે. આ શું માંડ્યું છે સમાજે? બહુ સમાજને મોટું નુકસાન થાય છે, એટલે હવે તમારે જાગ્રત થવાનું છે.

ઉલ્લેખનીય છે કે, આજ કાર્યક્રમમાં સાંસદ રૂપાલાએ બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, પાટીદારો બહુ પાછળ રહી ગયા, પહેલાં સમાજ પટેલોને અનુસરતો અને હવે કોઈ વેલ્યુ નથી.   રૂપાલાએ કહ્યું, આપણે ભવનો બનાવવાનાં છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ-નિયમ પ્રમાણે ચાલવું છે? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે અને અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયા છે. પાંચ-પચ્ચીસ વર્ષ પહેલાં એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા અને આપણે તો હજી વિચારણા પણ નથી શરૂ કરી.