(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ભાજપના અગ્રણી નેતા અને અબડાસા વિસ્તારના માજી ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીના ચકચારી હત્યા કેસના છેક સાત વર્ષ બાદ આરોપી તરીકેની ભૂમિકામાં મૂકવામાં આવેલા રાતા તળાવ પાંજરાપોળ અને ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક એવા મનજી ખેતશી ભાનુશાલી ઊર્ફે મનજી બાપુને, રાજ્યની નામદાર વડી અદાલત દ્વારા આંશિક રાહત આપી, આગળની કાર્યવાહી ૨૨મી જાન્યુઆરી ઉપર મુકરર કરવામાં આવી છે.
ચાલતી ટ્રેનમાં ભાજપના પીઢ નેતાની બંદૂકના ભડાકે કરી દેવામાં આવેલી હત્યાના કેસમાં ફરિયાદી એવા સુનીલ ભાનુશાલીની સુનાવણી દરમિયાન જુબાની અને તેમના દ્વારા અપાયેલી અરજી અન્વયે થોડા દિવસો પહેલાં ભચાઉ સ્થિત જિલ્લા અદાલતે મનજીભાઈ ભાનુશાલીને આરોપી તરીકે ઠરાવીને તેમને ટ્રાયલ ફેસ કરવાનો આદેશ કર્યો હતો. આ હુકમને હાઈ કોર્ટ સમક્ષ પડકારાતાં ન્યાયાધીશ પી.એમ. રાવલે આંશિક રાહત આપતો આ હુકમ કર્યો હતો. ભચાઉ જિલ્લા અદાલતે આગામી તારીખ ૧૯મી જાન્યુઆરીના રોજ મનજી ભાનુશાલીને હાજર થવા આદેશ કર્યો હતો, જ્યારે હાઈ કોર્ટે અરજીની સુનાવણીમાં ૧૯ તારીખની હાજરીમાં રાહત આપી અરજીની આગળની સુનાવણી તા. ૨૨મી ઉપર નિર્ધારિત કરી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે, માત્ર શંકા અને કેટલીક ત્રુટિઓના આધારે ટ્રાયલ કોર્ટે અરજદારને આરોપી તરીકે ઉમેર્યા હોવાનું જણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાલીની ગત જાન્યુઆરી, ૨૦૧૯માં સયાજી એક્સ્પ્રેસ ટ્રેનમાં બે શાર્પશૂટરો દ્વારા બંદૂકના ભડાકે હત્યા કરી દેવાના, રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં જે-તે સમયે અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાનુશાલીના રાજકીય હરીફ છબીલ પટેલ, તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ, જેન્તી ઠક્કર, સુરજીત પરદેશી (ભાઉ) અને મહારાષ્ટ્રના શાર્પશૂટરો સહિત પકડાયેલા ૧૨ આરોપીઓ સાત વર્ષના ગાળામાં જામીન પર મુક્ત થઈ ગયાં છે, અલબત્ત, હત્યાના અન્ય એક બનાવમાં મહારાષ્ટ્રની પુણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા બે પૈકીના એક શાર્પ શૂટર એવા વિશાલ નાગનાથ કામબલેની અન્ય બંદિવાનોએ હત્યા કરી નાખી હતી, જયારે ભાનુશાલીની હત્યાના એક વર્ષ બાદ ગુનાની તપાસ કરતી રેલવે અને સીઆઈડી ક્રાઈમની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે સમન્સ પાઠવીને અમદાવાદ સ્થિત કચેરીએ મનજી ભાનુશાલીની મેરેથોન પૂછપરછ બાદ જવા દીધા હતા.
આ પરિસ્થિતિ વચ્ચે ભાનુશાલી હત્યા કેસના મુખ્ય ફરિયાદી અને મૃતક ધારાસભ્યના ભત્રીજા એવા સુનિલ ભાનુશાલી દ્વારા ભચાઉની સેશન્સ અદાલત સમક્ષ ભાનુશાલી સમાજના અગ્રણી મનજી બાપુને આરોપી બનાવવા માટે અરજી દાખલ કરાઈ હતી