Sat Jun 20 2026

Logo

‘જ્યાં સુધી વળતર નહીં, ત્યાં સુધી કામ નહીં!’ વીંછીયામાં પોલીસ અને આપ નેતા સામસામે, વીડિયો વાયરલ

2026-06-20 18:16:37
Author: Devayat Khatana
Article Image

જસદણ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના મુદ્દા પર ભારે હોબાળો મચી ગયો છે. મોરબી જિલ્લાના જેતપર અને સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં વીજલાઇન નાખવા મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે રાજકોટ જિલ્લામાં પણ ફેલાયો છે. ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેતાઓ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી વીજ પ્રોજેક્ટની માંગ કરી રહ્યા છે. આપના નેતા બ્રિજરાજ સોલંકીએ જસદણના વીંછીયા ખેતરમાં પોલીસ સાથે વીજ પ્રોજેક્ટની કામગીરી કરવા માટે આવેલા કંપની કર્મચારીઓને અટકાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોના જુદા જુદા મુદ્દા પર ખૂબ જ હોબાળો મચી ગયો છે. ત્યારે હવે આ વિવાદ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા બાદ અન્ય જિલ્લાઓમાં પણ ફેલાય રહ્યો છે. આમ આદમી પાર્ટીના આક્ષેપ અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણના વીંછીયામાં ગેરકાયદેસર વીજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. પોલીસને સાથે રાખીને કામગીરી કરવા માટે પહોંચેલા કંપની કર્મચારીઓ કામગીરી શરૂ કરે તે પહેલા જ આપ નેતા બ્રિજરાજ સોલંકી ખેડૂતો સાથે પહોંચી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. 

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બ્રિજરાજ સોલંકી પોલીસ અધિકારીને કંપનીના કર્મચારીઓ ખેતરમાં ઘૂડયા તે મુદ્દે પ્રશ્ન કરતાં જોવા મળે છે, તેમણે કહ્યું હતું કે કંપનીના અધિકારીઓ કહી રહ્યા છે કે ખેતરમાં ઘૂસવાનું પણ શું આ ખેતરના કોઈના બાપનું છે? તેમણે કહ્યું હતું કે પડા (ખેતર)માંથી ચાલવાની ના પાડી હોવા છતાં તમે ત્યાંથી જ આવી અંદર આવી રહ્યા છો. 

આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમે કોઈપણ સંજોગોમાં આ કામગીરી શરૂ થવા દેશું નહિ. જ્યાં સુધી ખેડૂતને યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી કામગીરી શરૂ થવા દેવામાં આવશે નહિ. જો કે પોલીસે કહ્યું હતું કે અમારી સામે સંઘર્ષમાં ન ઉતરો, જો કે તેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે બાદમાં હુકમ કરનાર આધિકારીને બોલાવ્યા બાદ જ આગળની કામગીરી હાથ ધરવાની ખેડૂતોએ માંગ કરી હતી.