Wed Jul 01 2026

Logo

જસદણમાં સમાધાન કરવા ગયેલા પરિવાર પર 'છોટા હાથી' ચડાવી છરીના ઘા ઝીંક્યા; પિતાનું મોત, પુત્ર ગંભીર

2026-02-14 10:05:32
Article Image

જસદણ: તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બોલાચાલીના મામલે થયેલા લોહિયાળ હુમલામાં એક આધેડનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટના ત્રંબા ખાતે રહેતા અને ફાર્મા કંપનીમાં નોકરી કરતા શૈલેષભાઇ ઝાપડીયાએ આ અંગે પાંચ શખ્સો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં હત્યા અને ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત કાવતરું રચીને કરવામાં આવેલા આ હુમલા અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ૧૨ ફેબ્રુઆરીના રોજ ફરિયાદીનો ભાઈ નિલેષ અને મિત્ર બાબુભાઈ બુલેટ લઈને લગ્ન પ્રસંગમાં જતા હતા, ત્યારે રસ્તામાં ગાડી ઉભી રાખવા બાબતે શિવરાજપુરના સંજય નારણ મુંધવા સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી બીજા દિવસે આરોપીઓએ ફરિયાદીના પિતાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. મામલો થાળે પાડવા માટે ફરિયાદીનો પરિવાર સમાધાનના આશયથી શિવરાજપુર ગામે ગયો હતો, પરંતુ ત્યાં પહેલેથી જ ઘાતક હથિયારો સાથે તૈયાર રહેલા શખ્સોએ હુમલો કરી દીધો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સંજય મુંધવાએ ફરિયાદીના પરિવાર પર છોટા હાથી જેવું વાહન ચડાવી તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વજા રઘુ મુંધવાએ છરી વડે હુમલો કરી ફરિયાદીના પિતા છગનભાઈના પેટ અને છાતીના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા નાના ભાઈ નિલેષને પણ પડખાના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કરી ફરિયાદી અને તેના ભાઈને ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા.

આ હુમલા બાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે છગનભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા નિલેષને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે સંજય નારણ, વિરમ રઘુ, વજા રઘુ, નારણ રાજા અને સાગર નથુ (તમામ રહે. શિવરાજપુર) વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.