(અમારા પ્રતિનિધિ તરફથી)
વેરાવળ/જામનગર: જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક સફળ ઓપરેશન પાર પાડીને દેશી દારૂના મોટા જથ્થા સાથે બે વાહનો ઝડપી પાડ્યા હતા. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇમામ હુસેનના ઓટા પાસે તપાસ હાથ ધરતા, ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક કાર અને એક ઓટો રિક્ષા મળી આવી હતી. પોલીસની તપાસ દરમિયાન આ બંને વાહનોમાંથી અંદાજે 300 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રુ. 60,000 આંકવામાં આવી હતી.
પોલીસે આ કાર્યવાહીમાં દારૂના જથ્થા સહિત રૂ. 6 લાખની કિંમતની કાર અને રિક્ષા મળીને કુલ રુ. 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે દારૂનો જથ્થો રાખીને નાસી છૂટેલા બંને વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તે ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા પોલીસે વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલી મુસ્તાક ઉર્ફે બાઠુની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ટોળકી છેલ્લા ૧૦ વર્ષથી સક્રિય હતી અને હરિયાણા, રાજસ્થાન, પંજાબ તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી દારૂ મંગાવી વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં તેનું વેચાણ કરતી હતી. આ ગેંગ વિરુદ્ધ છેલ્લા એક દાયકામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૫૫ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં કુલ ૮ આરોપીઓનો સમાવેશ થાય છે, જેઓ કરોડો રૂપિયાના કાળા નાણાંની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે આ પૈકીના ૪ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના ૪ આરોપીઓ અન્ય ગુનાઓમાં અગાઉથી જ જેલમાં હોવાનું સામે આવ્યું હતુ. હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે.