(આમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૫માં થયેલી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે વિધાનસભામાં મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના વળતરની પ્રક્રિયા ઝડપી બનાવી હોવાનું જણાવ્યું હતું.
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ઓક્ટોબર-૨૦૨૫ના કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ હેઠળ જામનગર જિલ્લાના ૧,૩૮,૩૧૩ ખેડૂતોને રૂ. ૪૭૬.૭૭ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૫,૮૫૫ ખેડૂતોને રૂ. ૨૯૬.૫૯ કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી હતી.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ બંને જિલ્લાના મળીને અંદાજે ૩,૮૦૦થી વધુ ખેડૂતોની સહાય ચૂકવવાની બાકી હતી, જેનું મુખ્ય કારણ બેંક વિગતોમાં વિસંગતતા, દસ્તાવેજોમાં ક્ષતિઓ અથવા સંયુક્ત ખાતેદારોની સંમતિનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું. જામનગરના ૨,૫૭૫ અને દેવભૂમિ દ્વારકાના ૧,૨૬૮ ખેડૂતોની અરજીઓની ચકાસણી પ્રક્રિયા હાલમાં કાર્યરત છે.
સરકારે ખાતરી આપી હતી કે જરૂરી પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શક્ય તેટલી વહેલી તકે સહાયની બાકી રકમ ચૂકવી દેવામાં આવશે.